અમદાવાદ: અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાં દીકરીએ પિતાના અફેરનો ભાંડો ફોડી નાખ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં મોબાઈલમાં ગેમ રમવા માટે પિતાનો ફોન દીકરીએ લીધો હતો, દરમિયાન તેણે પિતા તથા તેની પ્રેમિકાના અશ્લીલ ફોટો ફોનમાં દેખાતા આ અંગે માતાને જાણ કરી દીધી હતી. જે બાદ ગુસ્સે થયેલા પિતાએ દીકરી અને પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જે બાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
શિક્ષક પતિના ફોનમાંથી મળ્યા રંગરેલિયાના પુરાવા
વિગતો મુજબ, સુરતમાં રહેતી રેશ્મા (નામ બદલ્યું છે)ના લગ્ન 2010માં આનંદનગરમાં રહેતા કૃષ્ણ રાજ્યગુરુ નામના યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન રેશ્માએ એક દીકરીને જન્મ આપ્યો. પતિ અને પત્ની બંને ખાનગી શાળામાં નોકરી કરે છે. જોકે લગ્નના થોડા સમય બાદ રેશ્માને જાણ થઈ કે પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આથી તેણે પ્રેમ સંબંધ ન રાખવાનું કહેતા પતિ ઝઘડો કરીને તેને માર મારતો. સાસરીયા પણ પતિનું ઉપરાણું લેતા, આથી રેશ્મા પિયર જતી રહી હતી અને પતિ તથા સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે બંને પક્ષોમાં સમાધાન થતા તે આખરે સાસરે પાછી ફરી હતી.
ભાંડો ફૂટતા દીકરી-પત્નીને માર મારીને કાઢી મૂક્યા
જોકે તેમ છતાં પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ ચાલુ રાખતા બંને વચ્ચે ઝઘડા થતા હતા. દરમિયાન 16 જૂને કૃષ્ણની દીકરીએ ગેમ રમવા માટે ફોન લીધો હતો. આ દરમિયાન દીકરીને પિતાના ફોનમાંથી પરસ્ત્રી સાથેના તેમના અશ્લીલ ફોટો મળી આવ્યા હતા, જે તેણે પોતાની માતાને બતાવ્યા હતા. પોતાની પોલ ખુલી જતા ગુસ્સે થઈ ગયેલા પતિએ પત્ની અને દીકરીને અપશબ્દો બોલીને માર માર્યો હતો અને ગળું દબાવી પત્નીને મારી નાખવાની ધમકી આપી અને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જે બાદ પત્નીએ આખરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT