- મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક સોપારીકાંડનો પર્દાફાશ
- ‘બેઝ ઓઈલ’ નામે ભારત લવાઈ સોપારી
- DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ
Kutch News: કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી વધુ એક સોપારીકાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ (DRI)એ સોપારી સ્મગલિંગના વધુ એક કારસાને રંગે હાથે ઝડપી પાડ્યો છે. DRIએ UAEથી ‘બેઝ ઓઈલ’ના ઓથા હેઠળ ભારતમાં મોકલવામાં આવેલી કરોડોની સોપારી ઝડપી પાડી છે. DRIએ ઝડપેલી સોપારીની કિંમત અંદાજે 5 કરોડ 71 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. DRIની કામગીરીથી દાણચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઓઈલની આડમાં સોપારી ઘુસાડવાનો કારસો
મળતી માહિતી અનુસાર, ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સની ટીમે મુન્દ્રા પોર્ટ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન DRIની ટીમે UAEથી આવેલા કન્ટેનરોની તપાસ કરી હતી. જેમાંથી કેટલાક કન્ટેનરોમાં ઓઈલના ડ્રમ્સ મળી આવ્યા હતા. તો ઓન પેપર આ ડ્રમ્સમાં ‘બેઝ ઓઈલ’ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓને શંકા જતા તેઓએ ડ્રમ્સ તપાસતા તેમાંથી સોપારીનો જથ્થો મળી આવ્યો હતો. આમ DRIએ મુન્દ્રા પોર્ટ પર આયાત થયેલા કન્ટેનરમાં ‘બેઝ ઓઈલ’ હોવાનું ઓન પેપર દેખાડીને તેની પાછળ મોટા પ્રમાણમાં સોપારી ઘુસાડવાના કારસાને ઉઘાડો પાડ્યો હતો.
DRIની ટીમે હાથ ધરી તપાસ
DRIની કાર્યવાહીમાં ઝડપાયેલી સોપારીનું વજન આશરે 83 મેટ્રિક ટન હોવાનું સામે આવ્યું છે. તો આ સોપારીની કિંમત અંદાજે 5 કરોડ 71 લાખ હોવાનું જાણવા મળી રહ્યું છે. DRIની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ઈમ્પોર્ટ ડ્યુટીથી બચવા માટે કોઈ વેપારીએ બેઝ ઓઈલના નામે સોપારી મંગાવી હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ સોપારી કોના દ્વારા મંગાવવામાં આવી છે અને આ સોપારીકાંડમાં કોણ-કોણ સામેલ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
(ઈનપુટઃ કૌશિક કાંઠેચા, કચ્છ)