ગીર સોમનાથ: જીલ્લાના વેરાવળમાં ખુબ જ નામના ધરાવતા સેવાભાવી તબીબ ડો. અતુલભાઇ ચગે ગયા રવીવારે આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ ગઇકાલે તેમના પુત્ર હિતાર્થ અતુલકુમાર ચગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં જુનાગઢના સાંસદ રાજેશભાઇ નારણભાઇ ચુડાસમા અને તેના પિતા નારણભાઇ રામાભાઇ ચુડાસમા સામે અરજી કરી છે. જેમાં સાંસદ સભ્ય પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે. હવે તપાસનો ધમધમાટ સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા તરફ વળવાના એંધાણ છે.
ADVERTISEMENT
પોલીસ અરજીમાં હિતાર્થ અતુલકુમાર ચગે જણાવ્યું છે કે, મારા પિતા અતુલભાઇ ચગ ડોકટર તરીકે એમ.ડી.ભણેલા હતા અને છેલ્લા 30 થી વધુ વર્ષથી વેરાવળ મુકામે ફીજીશ્યન તરીકે મડીકલ પ્રેકટીસ કરતા હતા. હું તેમનું એક માત્ર સંતાન છું. મેડીકલ પ્રેકટીસમાં વેરાવળ અને આજુબાજુના વિસ્તારોમાં તેમનું નામ અને શાખ ઘણા મોટા હતા અને તેઓને વર્ષોથી ધીકતી કમાણી હતી. હાલના જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લા વિસ્તારના સંસદસભ્ય રાજેશભાઇ નારણભાઇ ચુડાસમા તથા તેમના પિતા નારણભાઇ રામાભાઇ ચુડાસમા તથા નારણભાઇના ભાઇ હીરાભાઇ અને તેમના પરીવાર સાથે મારા ગુજરનાર પિતાને છેલ્લા 20 (વીસેક વર્ષથી) ઘણા ગાઢ સંબંધો હતા અને આ સંબંધોને છેલ્લા 10-15 વર્ષથી તેઓને લેતી-દેતીનો પણ વ્યવહાર હતો.
સાંસદે આપી ધમકી
ઉછીના પૈસા પાછા આપી દેશે નેવો વિશ્વાસ સંપાદન કરતા નારણભાઇએ પોતાની ઘી વેરાવળ પીપલ્સ કો.ઓ. બેંક લી.ના ખાતાના પોતાની સહીવાળા 3 થી 4 કોરા ચેક પણ આપેલા પરંતુ આ વારંવાર રૂપીયાની ઉઘરાણી કરવા છતા પૈસા પરત આપતા નહી છેલ્લે નારણભાઇ ના કહેવાથી તા. 29-11-21 ના અરસામાં રૂપીયા 90,00,000 નો ચેક પોતાના તથા મારા માતાના સંયુકત ખાતામાં વેરાવળ પીપલ્સ કો.ઓ.બેંકમાં નાખેલો. આ ચેક પાસ નહી તથા બેંકમાંથી વગર વસુલાતે પરત ફરેલ. આ બાબતે નારણભાઇ તથા રાજેશભાઇને જાણ કરતા અને પોતાની મોટી રકમ પાછી પરત આપવા દબાણ કરતા આ નારણભાઇ તથા રાજેશભાઇ ચુડાસમાએ મારા પિતાશ્રીને ધમકી આપવાનું ચાલુ કરેલ.
હિતાર્થએ ફરિયાદમાં કહ્યું કે, મારા પિતાએ આ વગર વસુલાતે પરત ફરેલ ચેક બાબતે કેસ કરવાનું જણાવતા તેઓએ મારા પિતાને જણાવેલ કે અમે ખુબ વગવાળા રાજકીય માણસો છીએ અને જો અમારી સામે નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ કાયદા અથવા બીજા કોઇ નીચે કેસ કરશો તો તમને અને તમારા એકના એક દિકરાને ઉપડાવીને ગુમ કરી દેશુ અને જાનથી મરાવી નાખશુ આમ ફોનથી ધમકીઓ પણ આપવા લાગેલ. મે મારા પિતાશ્રી સાથે આ બાબતે ચર્ચા કરતા કે આપણે કેમ કોઇ લીગલ એકશન નથી લેતા તો મને મારા પિતા એ જણાવેલ કે એ સંસદસભ્ય છે અને રાજકારણમાં બહુ પહોંચેલ અને વગવાળી વ્યકિત છે એટલે આપણે કોઇને મધ્યસ્થી રાખીને આપણો પ્રશ્ન પતાવીશું.
અરજીમાં પુત્રએ આક્ષેપ કર્યા કે રાજેશ ચુડાસમા અને તેના પિતા પાસેથી વર્ષ 2008 થી દોઢ પોણા બે કરોડ રૂપિયાની રકમ લેણી છે. આ રૂપિયાની અવારનવાર માંગણી કરવા છતા રાજેસ ચુડાસમા અને તેના પિતા રૂપિયા પરત આપતા ન હોવાના પણ આરોપ લાગી રહ્યા છે. એટલું જ નહીં રૂપિયા પરત ન આપવા પડે તે માટે ધમકી પણ આપતા હોવાની અરજીમાં રાવ કરાઈ છે.
હોસ્પિટલમાં જ ખાધો હતો ગળાફાંસો
વેરાવળમાં સેવાભાવી અને નામના ધરાવતા તબીબ ડો. અતુલ ચગ એમ.ડી. એ હોસ્પિટલની ઉપરના માળે આવેલા મકાનમાં જ પંખે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે 11 વાગ્યે નિયમિત ડોક્ટર નીચે આવતા હતા, પરંતુ 12 ફેબ્રુઆરીના સવારના ટાઈમે નીચે ન આવતા સ્ટાફે 11 વાગ્યા બાદ જોતા ગળેફાંસો ખાઈ લીધાની જાણ થઈ હતી. જેથી સ્ટાફે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે આજે તેઓની પરિવારજનોની હાજરીમાં અંતિમયાત્રા કાઢવામાં આવી છે.
ડોકટર ચગે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ કરી હતી. જેમાં મોટા ગજાના રાજકીય આગેવાનોના કારણે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસ હાલ તો સુસાઇડ નોટ કબ્જે કરીને પાસ ચલાવી રહી છે.
પીએમ રિપોર્ટ
પીએમમાં પણ સ્પષ્ટ જાણવા મળ્યું હતું કે, હેંગિંગના કારણે તેમનું મોત થયું છે. અતુલ ચગ વેરાવળના જાણીતા ડોક્ટર હતા, અને તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી, તેમને પંખાથી મફલર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
જાણો શું લખ્યું હતું સ્યુસાઇડ નોટમાં
સ્યુસાઇડ નોટમાં એક જ લીટીમાં રાજેશભાઈ ચુડાસમા તથા નારણભાઇના કારણે આત્મહત્યા કરતો હોવાનું જણાવાયું છે.
પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં.
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ તપાસની કરી હતી માંગ
આ મામલામાં રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તપાસની માગ કરી છે તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકતા લખ્યું છે કે આ આપઘાતનો મામલો ખુબ જ દુખદ છે. ડો. ચગની અંતિમ ચીઠ્ઠી અને તેમનો આપઘાતને લઈને ઉંડી તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે ગીર સોમનાથમાં ખુબ જ લોકપ્રિય નિષણાંત ડો. અતુલ ચગનો આપઘાત આઘાતજનક છે. તેઓ ઉમદા વ્યક્તિ પણ હતા. કોરોનાના સમયમાં માનવતાવાદી અભિગમ દર્શાવી ઉતકૃષ્ટ કામગીરી કરી હતી. આ દુખદ સમયમાં પરિવારજનોને સંવેદના પાઠવવું છું. આ મામલે ગહન તપાસ થાય તેવી હું લાગણી વ્યક્ત કરું છું. તેમણે આ પત્ર સોશ્યલ મીડિયા પર મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપરાંત ગુજરાત પોલીસને ટાંકીને લખ્યો હતો.
ADVERTISEMENT