દાહોદમાં દોઢ મહિનામાં બીજા જિલ્લા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા, શિક્ષક પાસે આ કામના રૂ.5 લાખ માગ્યા

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદમાં શિક્ષણ વિભાગને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. દોઢ મહિનામાં અહીં બીજા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા છે. દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદમાં શિક્ષણ વિભાગને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. દોઢ મહિનામાં અહીં બીજા શિક્ષણાધિકારી લાંચ લેતા ઝડપાયા છે. દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ રૂ.1 લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતાં આ સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમ સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂ. 10 હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી. ત્યારે આ બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો.

બદલીના ઓર્ડર માટે રૂ.5 લાખની માંગ
આ કામના ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓએ ફતેપુર તાલુકાની આફવા પ્રાથમિકશામાં બદલી થવા અરજી કરી હતી. ફરીયાદીને આફવા પ્રાથમિકશાળા ખાતે બદલીનો હુકમ તા.29/10/2022ના રોજ આપેલો હતો. જે માટે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીએ રૂ.5 લાખની માગણી કરી હતી અને આખરે રૂ.4 લાખ લેવા સંમત થયા હતા. લાંચની રકમ પેટે અગાઉ રૂ.2 લાખ શિક્ષક પાસેથી લેવામાં આવ્યા હતા અને બાકીના પૈસાની વારંવાર માગણી કરવામાં આવતી હતી. જોકે શિક્ષક પૈસા આપવા ન માગતા હોવાથી તેમણે ACBને જાણ કરી હતી.

કચેરીમાંથી જ લાંચ લેતા ઝડપાયા
એવામાં ગોધરા એસીબીના અધિકારીઓ દ્વારા દાહોદ શિક્ષણાધિકારીની કચેરીએ ધામા નાખ્યા હતા અને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં શિક્ષણાધિકારી કચેરીના કમ્પાઉન્ડમાં 1 લાખની લાંચ સરકારી ગાડીમાં શિક્ષક પાસે મૂકાવી હતી. આમ 1 લાખ લાંચના કેસમાં મયુર પારેખને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં તેને પૂછપરછ માટે ACB પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો.

અગાઉ કાજલ દવે લાંચ લેતા ઝડપાયા હતા
લાંચિયો અધિકારી મયુર પારેખ અગાઉ ગાંધીનગરની GCERTમાં ક્લાસ વન અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. જોકે દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે અગાઉ લાંચ લેતા પકડાતા મયુર પારેખનો ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે અને ઈન્ચાર્જ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

    follow whatsapp