મહેસાણા: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના દલિતો માટે અલગથી જમવાની વ્યવસ્થા રખાતા વિવાદ

કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાથી 20 કિલોમીટર દૂર આવેલા ભટારીયા ગામે મહાદેવજીના મંદિરનો તેમ જ ઉમિયા માતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત…

gujarattak
follow google news

કામિની આચાર્ય/મહેસાણા: મહેસાણાથી 20 કિલોમીટર દૂર આવેલા ભટારીયા ગામે મહાદેવજીના મંદિરનો તેમ જ ઉમિયા માતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત સમાજના 120 સભ્યો માટે ગામની શાળામાં અલગથી જમવાની વ્યવસ્થા ઉભી કરવા બાબતે વિરોધનો સુર ફૂંકાયો છે. દલિત સમાજે એક જૂથ બનીને આ જમણવારનો બહિષ્કાર કર્યો છે. સાથોસાથ ગ્રામજનોએ જિલ્લા કલેકટરને આ બાબતે લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં દલિત સમાજ માટે ગામથી માત્ર 100 મીટર દૂર આવેલી સ્કૂલમાં આયોજિત જમણવારને લઈને વિવાદનો મધપુડો છંછેડાયો છે. દલિત સમાજના એક પણ પરિવારે જમણવારમાં જવાનો નનૈયો ભણી દેતા કલાકો સુધી ચાલેલા આ પ્રસંગમાં આ જ મુદ્દો મુખ્ય ચર્ચાસ્પદ બન્યો હતો. જ્યારે બીજી બાજુ આ વિવાદને કારણે સ્થાનિક ધારાસભ્ય હાર્દિક પટેલને આમંત્રણ આપ્યું હોવા છતાં અહીં આવવાનો ટાળ્યું હતું.

ગામમાં વાળંદ દલિતોના વાળ પણ કાપતા નથી
ગામનાં યુવાનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામની દીકરીઓને તેડાવવામાં આવી છે. ત્યારે દલિતોની દીકરીઓ શું ગામની નથી તેમને અહીં આમંત્રણ આપવામાં આવ્યું નથી. મંદિરે દર્શન કરવા જઈ શકતા નથી અને ગામનો વાળંદ દલિત સમાજના એક પણ વ્યક્તિના વાળ કાપતો નથી. શું આ દલિત સમાજ સાથે અન્યાય નથી? દલિત સમાજના લોકો માટે અલગ જમવાની વ્યવસ્થા કરી છે તો શું કોઈએ જમવાનું જોયું નથી.

સરપંચ દલિત હોવાથી તેમનું પણ જમવાનું અલગ રખાયું
ગામના સરપંચ વિજયાબેન પરમારે જણાવ્યું હતું કે, હું દલિત સમાજની છું અને ગામની સરપંચ છું છતાં પણ મને જમવાનું આમંત્રણ અલાયદું આપવામાં આવ્યું છે. જ્યાં મારા સમાજનો વિરોધ થતો હોય ત્યાં મારે ઊભું ન રહેવાય. હું મારા દલિત સમાજ સાથે છું. ગ્રામજનો દ્વારા દલિત પરિવારના 120 સભ્યો સાથે જે પણ વર્તણ કરવામાં આવે છે તે હવે ચલાવી લેવાશે નહીં અને આ બાબતે અમે લડત આપીશું. કોઈપણ પ્રસંગ આવે ત્યારે અમારા દલિત સમાજને અળગો રાખવામાં આવે છે. અમારા દલિત સમાજને જાગૃત કરવા માંગુ છું. પટેલો એ આપણો બહિષ્કાર કર્યો છે તો આપણે તેમનો બહિષ્કાર કેમ ન કરીએ. મતભેદ, જાતિવાદ ન રાખવાની બાબત માત્ર કાગળ પૂરતી છે હાલમાં હકીકત આખી જુદી છે.

દલિત મહિલાને આંગણવાડીમાં નોકરીએ નથી રાખવા દેવાતી
ગામના આગેવાન કાંતિભાઈ નાડિયાએ જણાવ્યું હતું કે, ગામમાં અમારી સાથે અસ્પૃશય જેવું વર્તન કરવામાં આવે છે. ગામની આંગણવાડીમાં દલિત મહિલાના હાથે રસોઈ બનાવવા દેવાતી નથી. દલિત મહિલાને અહીં નોકરી ઉપર રખાતી નથી. ગામમાં દલિતના વાળ કાપવાનો વાળંદ ઇનકાર કરે છે. મંદિરમાં અમે ક્યારે પણ ગયા નથી કે અમારા બાળકોએ પગ મૂક્યો નથી. ઘરમાં જ અમે પૂજા-પાઠ તેમજ ભજન કરી લઈએ છીએ. આવો અન્યાય ક્યાં સુધી ચાલશે.

પોલીસ અને વહીવટીતંત્રએ શાંતિના પ્રયાસો હાથ ધર્યા
ગામમાં દલીલ સમાજના ઉઠેલા વિવાદને ઠારવા માટે સાંથલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.કે વાઘેલા ગામમાં પહોંચ્યા હતા અને દલિત સમાજ તેમજ ગામના આગેવાનો સાથે વાતચીત કરી શાંતિ જળવાઈ રહે તેવો પ્રયાસ કર્યો હતો. જોકે સમાજના લોકોએ જમણવારમાં જવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. બે દિવસથી ચાલી રહેલા આ વિવાદ ઉપર ઠંડુ પાણી રેડાય તે માટે પોલીસ જ નહીં પરંતુ વહીવટી તંત્ર પણ કામે લાગ્યું હતું.

    follow whatsapp