ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની આશાઓ ઘણા બધાને બંધાઈ હતી. 4000થી વધુ દાવેદારોએ ટિકિટ માગી હતી અને ટિકિટ હતી 182, જેના કારણે ઘણા નારાજ થયા છે. હવે ભાજપ માટે વધુ બે દુખિયારા નેતાઓ મોટી ઉપાધી લાવી દે તો નવાઈ ન કહેવાય તેવી સ્થિતિ વડોદરા અને બાયડમાં સર્જાઈ છે. વડોદરામાં પાદરા બેઠક પર દાવેદારી કરનારા દિનુ પટેલ ઉર્ફે દિનુ મામા અને બાયડના ધવલસિંહ ઝાલાએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે તેમણે પોત પોતાની બેઠકો પર અપક્ષ ઉમેદવારી પણ નોંધાવી દીધી છે.
ADVERTISEMENT
અલ્પેશના સાથીએ અલ્પેશ અને ભાજપનો સાથ છોડ્યો
બાયડના ધારાસભ્ય રહી ચુકેલા ધવલસિંહ ઝાલા એક સમયે અલ્પેશ ઠાકોરનો જભ્ભો પકડીને તે જ્યાં ગયા ત્યાં તેમની સાથે સાથે રહ્યા હતા. આંદોલનના સમયથી અલ્પેશ ઠાકોરના સતત હનુમાન બનીને તે રહ્યા હતા. સતત પડછાયો બનીને રહેલા વફાદાર ધવલસિંહે હવે પોતાની રાજકીય કારકિર્દીને જોતા ભાજપની સાથે સાથે અલ્પેશ ઠાકોરનો પણ સાથ છોડ્યો કહી શકાશે. કારણ કે અલ્પેશ ઠાકોરને તો ટિકિટ મળી ગઈ છે અને તેઓ ભાજપમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. જ્યારે તેમના સાથીને ટિકિટ મળી નથી અને હવે તે ભાજપની જ સામે પડીને બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. હવે તેમણે ભાજપને ગુડબાય કરીને રાજીનામુ આપી દીધું છે.
દિનુ મામાથી ભાજપને થશે નુકસાન?
પાદરામાં પણ પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ કે જેમને લોકો દિનુ મામા રીકે ઓળખે છે તેમની પણ ટિકિટ કાપવામાં આવી છે. આ બેઠક પર તેઓ પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા પરંતુ ક્યારે શું થયું કે દિનુ મામા એક તરફ થઈ ગયા. દિનુ મામા અગાઉ પણ ધારાસભ્ય રહી ચુક્યા છે અને બરોડા ડેરીના હાલના ચેરમેન પણ છે. તેઓ પણ અહીં મતદારોની વચ્ચે રહેનારા નેતાની છાપ ધરાવે છે. જોકે તેમની જગ્યાએ બીજા દાવેદાર તરીકે સામે આવેલા પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. દિનુ મામાનું નામ ટિકિટના લિસ્ટમાં ન દેખાતા અહીં ગરમા-ગરમી થઈ ગઈ છે. હવે દિનુ મામાએ જંગી મેદની સાથે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. આ બેઠક પરથી હું જંગી મતોથી જીત પણ મેળવીશ.તેવું પણ નિવેદન તેમણે આપ્યું હતું.
ADVERTISEMENT