અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. શાક માર્કેટમાં હાલ 120થી 150 રૂપિયા સુધી કિલોના ભાવે ટામેટા મળી રહ્યા છે. મોંઘા થતા ટામેટાના કારણે થાળીમાંથી તે ગાયબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુપર માર્કેટમાં મળતા ટોમેટા પ્યૂરીમાં પણ આ ટામેટાના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. ઓનલાઈન ગ્રોસરી ડિલિવર કરતી એપમાંથી મોટાભાગની એપ પાસે હાલમાં ટામેટા પ્યૂરીનો સ્ટોક ખલાસ થઈ ગયો છે.
ADVERTISEMENT
ઓનલાઈન માર્કેટસ્ટોરમાં પણ ટામેટા પ્યૂરી આઉટ ઓફ સ્ટોક
ટામેટાની મોંઘી કિંમતોના કારણે હોટલ માલિકો તથા લોકો વિકલ્પ તરીકે ટામેટા પ્યૂરી તરફ વળ્યા હતા. રસોઈમાં ટામેટાના બદલે ટામેટાની પ્યૂરીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેના કારણે હવે તે બજારમાં મળવી મુશ્કેલ બની છે. આ સમાચાર લખાવા સુધી બ્લિન્કિંટ, બિગ બાસ્કેટ તથા અમેઝોન જેવા મોટા ઓનલાઈન માર્કેટપ્લેસમાં હાલ ટોમેટો પ્યૂરી આઉટ ઓફ સ્ટોક બતાવે છે.
દેશમાં અનેક શહેરોમાં ટામેટાની કિંમત 300 સુધી પહોંચી
નોંધનીય છે કે, હાલ દેશના અનેક શહેરોમાં રીટેલ બજારમાં ટામેટાની કિંમત 150થી 300 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે પોષણક્ષમ દરોએ ટામેટાનું વેચાણ શરૂ કરવું પડ્યું છે. NCCF સીધા કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી કરીને લોકોને રૂ.80 પ્રતિ કિલોના ભાવે ટામેટાનું વેચાણ કરી રહી છે.
ADVERTISEMENT