યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડમાં 1 કરોડ રૂપિયા લીધા? પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ IGએ શું ખુલાસા કર્યા

ભાવનગર: ડમીકાંડ મામલે ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા પર પૈસા લઈને નામ છુપાવવાના આક્ષેપ લાગ્યા હતા. જે બાદ આજે ભાવનગર પોલીસે તેમને પૂછપરછ માટે બપોરે 12…

gujarattak
follow google news

ભાવનગર: ડમીકાંડ મામલે ખુલાસો કરનારા યુવરાજસિંહ જાડેજા પર પૈસા લઈને નામ છુપાવવાના આક્ષેપ લાગ્યા હતા. જે બાદ આજે ભાવનગર પોલીસે તેમને પૂછપરછ માટે બપોરે 12 વાગ્યે બોલાવ્યા હતા. તેમની 8 કલાકથી પણ વધુ લાંબી પૂછપરછ ચાલી જે બાદ આખરે તેમની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહની પૂછપરછ બાદ ભાવનગર રેન્જ આઇજીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે યુવરાજસિંહ પર 1 કરોડની ખંડણી લેવાની વાત કરી હતી. યુવરાજસિંહ સામે IPCની કલમ 386, 388, 120B હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં રેન્જ IGએ કહ્યું કે, યુવરાજસિંહને સૌથી પહેલા ફરિયાદનો સમય અપાયો હતો. પછી તેમને જણાવાયું કે ડમીકાંડની કેટલીક માહિતી છે પોલીસને આપી છે, તેમાં કેટલાક નામો છે. માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ કાર્યવાહી કરશે. યુવરાજસિંહને તેમના નાણાકીય વ્યવહારો બાબતે પણ પૂછવામાં આવતા આ બાબતે ગોળગોળ જવાબ આપી રહ્યા છે. તેમની સમક્ષ હકીકતો મૂકાઈ. પોલીસ પાસે પ્રાપ્ત હકીકતોનું વેરિફિકેશન મૂકાયું. તે મુજબ, યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રદીપ બારૈયા અને પ્રકાશ 1 કરોડન જબરજસ્તીથી પડાવી લીધાની માહિતી પ્રાપ્ત થઈ છે. માહિતીને અનુલક્ષીને અને આજે યુવરાજ અને અન્ય માણસો વિરુદ્ધ ભાવનગર પોલીસે નિલમ 386, 388 120B હેઠળ ગુનો દાખળ કરાયો છે.

  •  SoG અને SITની ટીમે પુછપરછમાં સૌથી પહેલા તેમને સાંભળ્યા હતા.
  •  ડમીકાંડ બાબતે કેટલી માહિતી છે તે અંગે પુછતા તેમણે બે કાગળમાં રહેલી માહિતી પોલીસને આપી હતી.
  •  આ માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરીને જવાબદારોની ધરપકડ કરશે
  • યુવરાજસિંહને તેમના નાણાકીય વ્યવહાર બાબતે પુછાતા સતત પુછપરછ હોવા છતા તેઓ આ અંગે ગોળગોળ જવાબ આપી રહ્યા છે.
  •  તેમની સમક્ષ પોલીસે મેળવેલી હકીકતો મુકાતા તેઓ ગોળગોળ જવાબ આપી રહ્યા છે
  •  યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રદીપ બારેયા અને પ્રકાશ દવે પાસેથી કુલ 1 કરોડ રૂપિયાની જબરજસ્તીથી કઢાવી લીધી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
  •  યુવરાજસિંહની સ્પષ્ટતા અને પોલીસ પાસે રહેલી માહિતીના આધારે યુવરાજસિંહ અને અન્ય લોકો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં 386, 388, 120 બી મુજબ ગુનો દાખલ કરાયો છે.

પીકે સાથે 45 લાખમાં ડીલ ફાઈનલ થઈ?
ગત્ત 25 માર્ચે યુવરાજસિંહ પોતાના માણસો સાથે પંથકમાં ફરી, રૂષી બારૈયા નામના વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો. તેમના સાથી ઘનશ્યામ લાંધવા દ્વારા આ વીડિયો પ્રકાશ દવે નામના વ્યક્તિને બતાવ્યો હતો. 25,26,27 ના રોજ ઘનશ્યામ લાધવા અને યુવરાજસિંહે તેમને સતત પ્રેશરમાં રાખીને ડીલ ફાઇનલ કરવા માટે દબાણ કર્યું. 28 તારીખે મિટિંગનું નક્કી કર્યું અને 28 તારીખે સાંજે તેમની મીટિંગ થઇ તે દરમિયાન આખરે રકઝકના અંતે યુવરાજસિંહના સાળા વિક્ટોરિયા પ્રાઇમમાં, પીકે, પીકેના કાકા, તેના પિતરાઇ ભાઇ, બિપિન ત્રિવેદી અને યુવરાજસિંહ તેમના સાળા શિવુભા અને કાનભા અને રાજુ નામના વ્યક્તિની હાજરીમાં મીટિંગ થઇ. આ મીટિંગમાં યુવરાજસિંહે પીકેને ધમકી આપી કે 28 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરવાનો હતો તારા કારણે મોકુફ રાખેલી છે. તને હું ગુજરાતના સૌથી મોટા ડમીકાંડના આરોપી તરીકે ચિતરવાનો હતો. જો કે કાનભા સહિતના લોકોની શરમ નડી ગઇ છે. 70 લાખની માંગ કરવામાં આવી અને આખરે 45 લાખમાં ડીલ ફાઇનલ થઇ.

IGએ કહ્યું, પીકેએ બજારમાંથી પૈસા ઉઠાવવાનાં શરૂ કર્યું. પોતાના સસરા, માસીયાઇ ભાઇ સહિતના અનેક લોકો પાસેથી પૈસા એકત્ર કર્યા અને 45 લાખ રૂપિયા ઘનશ્યામ લાંધવાને આપ્યા હતા. ડીલ ફાઇનલ થતા 29 તારીખે પી.કેને હાંશકારો થયો હતો. 5-4 ના રોજ યુવરાજસિંહ જે પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા તે પહેલા યુવરાજસિંહ-ઘનશ્યામ લાંધવા, પીકે હાજર હતા. તેમણે સાતેક વ્યક્તિના નામ બોલવાનો છું તેવું પુછ્યું હતું. જેમાં પ્રકાશ દવેનું નામ નહી હોવાથી તેમને હાંશકારો થયો હતો.

પ્રદીપ બારૈયા પાસેથી 55 લાખ લીધા!
આજ રીતે 27-28 તારીખે પ્રદીપ બારૈયા કે જે પોતે પણ આરોપી છે તેને પણ ઘનશ્યામ લાંધવાએ ધમકી આપી હતી. જેથી તે ગભરાઇ જતા તેમણે પણ યુવરાજસિંહ સાથે ડીલ ફાઇનલ કરવા માટે ઘનશ્યામને આજીજી કરી હતી. 30 માર્ચે પ્રદીપ બારૈયા, જીગાદાદા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેના બંન્ને સાળા શિવુભા અને કાનભા અને રાજુભાઇ આ મીટિંગમાં પણ હાજર હતા. યુવરાજસિંહે એક ડાયરી બતાવીને બીજા લોકોની માહિતી માંગી હતી. પ્રદીપે ગભરાઇને પોતાનું પતાવવા અપીલ કરી હતી. યુવરાજસિંહે કહ્યું કે, તારૂ નામ પ્રેસ કોન્ફરન્સમાં આવશે તો આખી જિંદગી જેલમાં જશે. ત્યાર બાદ કાનભાએ ડીલ શરૂ કરી હતી. પ્રદીપ બારૈયાએ શરૂઆતમાં 10 લાખની તૈયારી બતાવી હતી. જો કે આખરે ડીલ 55 લાખ રૂપિયામાં ફાઇનલ થઇ હતી.

પ્રદીપ સાંજે ઘરે ગયો અને તેણે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું હતું. વિવિધ સંબંધીઓ પાસેથી પૈસા ઉઠાવ્યા હતા. આ પૈસા 3 અલગ અલગ તબક્કામાં યુવરાજસિંહને પહોંચાડ્યા. પ્રથમ તબક્કામાં 25 લાખ 31 માર્ચે, પુજારાવાળા ખાચામાં જઇને શિવુભાને આપ્યા, 3 એપ્રીલે રાત્રે 11 વાગ્યે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં કાનભાને 17 લાખ રૂપિયા આપ્યા. 4 એપ્રિલે રાત્રે 10 વાગ્યે લીલા સર્કલ પાસે ઘનશ્યામભાઇને 13 લાખ આપ્યા. આ પૈસા ઘનશ્યામ લાધવાએ યુવરાજસિંહને પહોંચાડ્યા. 5 તારીખે યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી તેમાં તેનું નામ નહી આવતા તેને પણ હાંશકારો થયો હતો.

પૂછપરછમાં યુવરાજસિંહે ન આપ્યા સંતોષજનક જવાબ
આરોપીઓએ તપાસમાં ધરપકડ થયા બાદ આઇઓ ભરવાડ સામે કબુલાત કરી હતી. આ નિવેદનોના સાંયોગિક પુરાવા પણ મળ્યા છે. આ પુરાવાના આધારે જ યુવરાજસિંહને પુછપરછ માટે બોલાવાયા હતા. જો કે પુછપરછમાં તેઓ સંતોષજનક જવાબ નહીં આપતા તેમની ધપકડ કરી છે. સાથે તેમના બંન્ને સાળા કાનભા અને શિવુભા, બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા, રાજુ સહિતના અન્ય શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. ગુપ્ત ચેટ, સીસીટીવીના પુરાવા સહિતના અનેક પુરાવાઓ મળી આવ્યા છે. યુવરાજની ધરપકડ બાદ હવે તેમને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે.

    follow whatsapp