સંજયસિંહ રાઠોડ/સુરત: સુરતમાં સામુહિક આપઘાતનો કાળજુ કંપાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. જેમાં રત્ન કલાકારે પોતાની પત્ની અને બે સંતાનો સાથે ઝેરી દવા પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતા અને પુત્રીના મોત નિપજ્યા છે, જ્યારે પુત્ર અને પિતા હાલ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આપઘાત પાછળા આર્થિક તંગી કારણભૂત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પરિવારના ચારેય સભ્યોએ ઝેરી દવા પીધી
પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના સરથાણામાં વિજય નગર સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની એવા રત્ન કલાકારનો પરિવાર રહે છે. બુધવારે સાંજે રત્નકલાકારે તેમની 50 વર્ષીય રત્ની, 20 વર્ષીય પુત્ર તથા 15 વર્ષની પુત્રી સાથે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીને રત્નકલાકારે પોતાના પિતરાઈ ભાઈને ફોન કર્યો હતો અને ઘરમાં હાજર દીકરા અને દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ત્યાં પહોંચીને ચારેય હોસ્પિટલ ખસેડ્યા હતા.
માતા અને પુત્રીનું સારવાર દરમિયાન મોત
હોસ્પિટલમાં સારવાર દરમિયાન 50 વર્ષિય શારદાબેનનું તથા 15 વર્ષની સુનિતાનું મોત નિપજ્યું હતું. જ્યારે હાલમાં રત્નકલાકાર અને તેમનો 20 વર્ષનો પુત્ર ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, હીરાના કારખાનામાં હાલ મંદીનો માહોલ છે એવામાં આર્થિક સંકડામણના કારણે પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાય કર્યો છે. બનાવની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિવારે ભરેલા આ પગલાં બાબતે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT