Dhanteras 2023: પાટણમાં મહાલક્ષ્મીજીનું સૌથી અનોખું મંદિર, જ્યાં આજ સુધી નથી ચડાવાઈ ધ્વજા

Patan News: આજે ધનતેરસના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરના લોકોમાં ધનતેરસના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ધનતેરસના પાવન…

gujarattak
follow google news

Patan News: આજે ધનતેરસના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરના લોકોમાં ધનતેરસના તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ધનતેરસના પાવન પર્વ પર અમે એક સૌથી અનોખા મહાલક્ષ્મી માતાજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં ક્યારેય ધ્વજા ચડાવવામાં આવતી નથી. દેશભરમાં આ એકમાત્ર મહાલક્ષ્મીજીનું મંદિર છે, જ્યાં ક્યારેય ધ્વજા ચડી નથી. અહીંયા માતાજીની પૌરાણિક મૂર્તિના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અનેક તહેવારો ખાસ કરીને ધનતેરસના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.

પાટણમાં આવેલું છે માતાજીનું મંદિર

મંદિરના ઈતિહાસ પર નજર કરીએ તો પાટણમાં ગાયકવાડ સરકાર સમયમાં ઈ.સ 1203ની સાલ એટલે 877 વર્ષ પૂર્વે રાજસ્થાન ભીલમાલથી આવેલા લાધૂજી પાંડે પરિવારે સ્થાપિત કરેલા મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક ઘર મંદિર આવેલ છે.જેના પર આજદિન સુધી ક્યારે ધ્વજા ચડી નથી. સમગ્ર દેશભરમાં માત્ર એક જ મહાલક્ષ્મી માતાજીનું મંદિર છે, જ્યાં વર્ષોથી ધ્વજારોહણ થતું નથી.જેથી જ આ મંદિરને ‘ઘર મંદિર’ પણ કહેવામાં આવે છે. સાથે આ મંદિરમાં 21 પેઢીથી માતાજીની પૂજાની પરંપરા જળવાઈ રહી છે.

લાધુજી પાંડેનો પરિવાર કરે છે પૂજા

રાજસ્થાન ભીલમાલથી પાટણ વસેલા લાધુજી પાંડેનો પરિવાર 21 પેઢીથી મહાલક્ષ્મી માતાની સવારે 4 વાગે પહેલા પરોઢિયે શણગાર અને પૂજા વિધિ કરવાની પરંપરા અકબંધ રાખી રહ્યો છે.હાલમાં હયાત તેમની પેઢીમાં ભાઈઓના દિકરા-દીકરીના એકમાંથી અનેક પરિવાર થયા છે. દર વર્ષે પૂજા વિધિનો દરેક પરિવારને લાભ મળે માટે વર્ષની અષાઢી બીજે પરિવાર બદલાઈ જાય છે. જે પરિવાર પૂજા માટે આવે તેમને પોતાનુ ઘર છોડી મંદિરની ઓરડીમાં જ રહેવું પડે છે. તેવું હાલના પૂજારી પરેશ નરેન્દ્રભાઇ પાંડે જણાવ્યું હતું.

ધનતેરસે થાય છે વિશેષ પૂજા

ઉત્તર ગુજરાતમાં મહાલક્ષ્મી માતાજીના અનેક મંદિરો આવેલા છે.પરતુ મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક એક જ મંદિર છે.જેથી ધન તેરસે મંદિરનો મહિમા વધી જાય છે. આ દિવસે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરાય છે.જેમાં વહેલા પરોઢિયે 5 બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 21 લિટર ગાયના દૂધનો અભિષેક, માતાજીને કમળની આંગી અને વિશેષ શણગાર કરી ભક્તોના દર્શન માટે દ્વાર ખુલ્લા મુકતા મોટી સંખ્યમાં ભક્તો દર્શન અર્થે આવે છે.

આધુનિક યુગમાં માતાજીના પ્રસાદ અને પહેરવેશની પ્રથા બદલાઇ

મહાલક્ષ્મી માતાજીને ગાયકવાડ સરકાર સમયથી વર્ષો સુધી ભક્તો પ્રસાદ રૂપે અનાજ ચડાવતા હતા. જે કાચું અનાજ ભક્તો ચડાવે તેમાંથી જ માતાજીની પ્રસાદી બનાવી તેમને ચડાવવામાં આવતી હતી. હવે સમય બદલાતાં લોકો પૈસા અને વિવિધ મીઠાઈ ધરાવે છે. તો પહેલા માતાજીને સાદી સાડીના વસ્ત્રોથી શણગાર થતો હતો. હવે મશરૂમ , ઝરીના તેમજ અવનવી ડિઝાઇન વાળા વસ્ત્રોથી શણગાર કરાય છે.

રિપોર્ટ : વિપિન પ્રજાપતિ

    follow whatsapp