ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસના આજે બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના મંદિરમાં ખાસ પાલખી યાત્રા નીકળી હતી. મંદિર પરિસરમાં જ નીકળેલી આ પાલખી યાત્રામાં વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, રાજયમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરત તથા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દેવાધિદેવ મહાદેવ એવા સોમનાથ દાદાના દર્શન-પૂજન તેમજ ધ્વજારોહણ કર્યું હતું. કેદારનાથ તથા ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પણ આ પ્રકારે પાલખી યાત્રા નીકળે છે. એવામાં દાદાના ભક્તોને ગુજરાતના જ આ જ્યોતિર્લિંગમાં પાલખી યાત્રાના દર્શન કરી શકે છે.
ADVERTISEMENT
ચાર કલાકમાં 20 હજાર ભક્તોએ મહાદેવના દર્શન કર્યા
શ્રાવણ માસના આજે બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે સવારે 4 વાગ્યાથી ભક્તો ઉમટ્યા હતા. સવારે 4થી 8 વાગ્યા સુધીમાં જ 20 હજારથી વધારે લોકોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જીતુ વાઘાણીએ મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું, તથા તમામ ઉપસ્થિત મંત્રીઓએ મહાદેવની પાલખીને ખેંચી હતી.
નોંધનીય છે કે, શ્રાવણ માસમાં દર સોમવારે આ પ્રકારે મહાદેવની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, મંદિર પરિસરમાં જ પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં અન્ય શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા અને ભગવાન પર પુષ્પવર્ષા કરીને તેનો લહાવો લીધો હતો.
ADVERTISEMENT