પાવાગઢમાં મંદિર ટ્રસ્ટે શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકતા ભક્તોએ જુઓ કેવો રસ્તો કાઢ્યો

હાલોલ: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે વહેલી સવારથી જ પહેલા નોરતે માતાજીના દર્શન કરવા શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તળેટીમાંથી માચી…

gujarattak
follow google news

હાલોલ: આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે વહેલી સવારથી જ પહેલા નોરતે માતાજીના દર્શન કરવા શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. તળેટીમાંથી માચી જવાના રસ્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને છોલેલું શ્રીફળ ડુંગર પર ન લઈ જવા દેવાતા ભક્તોએ તેનો રસ્તો શોધી કાઢ્યો હતો. ડુંગરની નીચે ભક્તોને જ્યાં પણ જગ્યા મળી ત્યાં તેમણે શ્રીફળ વધેર્યા હતા.

ભક્તોએ શોધ્યો શ્રીફળ વધેરવાનો નવો રસ્તો
પાવાગઢમાં શ્રીફળ વિવાદમાં ટ્રેસ્ટીઓના નિર્ણય સામે હિન્દુ સંગઠનો અને વેપારીઓ રોષમાં છે ત્યારે પહેલા નોરતે માતાજીના દર્શન કરવા માટે મંદિર પહોંચેલા માઈભક્તોએ શ્રીફળ વધેરવાનો વચલો રસ્તો શોધી કાઢ્યો હતો. ભક્તોએ છોલેલું શ્રીફળ ઉપર ન પહોંચે તે માટે બનાવેલી લક્ષ્મણ રેખા નજીક દૂળિયા તળાવ પાસે બનતા બગીચાના પગથિયા, રસ્તામાં આવતા વૃક્ષોની ફરતેના ચોતરા પર તો ડુંગર ચડવા પહેલા આવતા પગથિયા પર શ્રીફળ વધેર્યું હતું. જેના પગલે પ્રવેશદ્વાર પર જ મોટી સંખ્યામાં શ્રીફળ જોવા મળ્યા હતા.

શ્રીફળ વધેરવાનું મશીન પડ્યું રહ્યું
ખાસ વાત છે કે મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રીફળ વધેરવાનું નવું મશીન મૂકવામાં આવ્યું છે. જોકે ભક્તોને આ મશીનમાં કોઈ રસ ન હોય તેમ તે શોભાના ગાંઠિયા સમાન બન્યું હતું. મોટાભાગના ભક્તો મશીનથી અજાણ હોય તેમ જોવા મળ્યું હતું. ભક્તોએ શ્રીફળ ખરીદીની ડુંગર નીચે જ જ્યાં જગ્યા મળી ત્યાં શ્રીફળ વધેર્યું હતું. ત્યારે આ રીતે ગમે ત્યાં શ્રીફળ વધેરવાના કારણે ચાલતા લોકોના પગમાં નાળિયેરના કાચલાના ટુકડા આવી રહ્યા છે. ત્યારે બાળકોને ઈજા થવાની સંભાવના વધી જાય છે. એવામાં મંદિર ટ્રસ્ટ હવે શું નિર્ણય લેશે તેના પર સૌ કોઈની નજર છે.

    follow whatsapp