હસમુખ પટેલ.સાબરકાંઠાઃ એક તરફ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તો બીજી તરફ વિકસિત ગુજરાતની એવી તસવીર પણ સામે આવી છે કે જ્યાં હજુ સુધી પાયાની સુવિધા ન મળતા સ્થાનિકો પારાવર મુશ્કેલી અનુભવી રહ્યા છે. વાત છે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કાલીકાકર ગામની કે જ્યાં ગુજરાત તકની ટીમ દ્વારા વાયરલ થયેલા વીડિયો મામલે ગ્રાઉન્ડ રિપોર્ટ કરાતા વિકસિત ગુજરાતનો વધુ એક ચહેરો સામે આવ્યો છે. જ્યાં ચાર વખત પુલ બનાવવાના ખાત મુહુર્ત કરાયા બાદ આજે પણ પુલ બની શક્યો નથી જેના પગલે. કોઈપણ દર્દીને મેડિકલ સારવાર માટે નદી પાર કરવા જોળીનો સહારો લેવા મજબુર થવું પડે છે તો ચોમાસાના ચાર મહિના શિક્ષણ કાર્ય બંધ રહે છે. એક વિશેષ અહેવાલ પર આવો નજર કરીએ.
ADVERTISEMENT
ચોમાસાના ચાર મહિના તો ગામનો સંપર્ક કપાઈ જાય
સામાન્ય રીતે કોઈપણ વિસ્તારના વિકાસ માટે સ્થાનિકોને પાયા રૂપ સુવિધાઓ આપવામાં આવે તો જે તે વિસ્તારના લોકો સક્ષમ અને વિકસિત બનતા હોય છે. જોકે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાનું કાલીકાકર ગામ આજે પણ વિકાસ ઝંખી રહ્યું છે આજની તારીખે આ ગામમાં કોઈપણ વ્યક્તિને મેડિકલ સુવિધાની જરૂર પડે તો ગામની વચ્ચેથી પસાર થતી સઇ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થાય ત્યારે જ તેને મેડિકલ સુવિધા મળી શકે છે. તેમજ ચોમાસાના ચાર મહિના માટે આ ગામનો સંપર્ક કપાઈ જાય છે. સાથો સાથ રાજસ્થાનમાં થતા ભારે વરસાદના પગલે સઈ નદી બે કાંઠે વહેતી રહે છે જેના પગલે કેટલાય લોકો માટે જાનનું જોખમ બની રહે છે.
ડાકોરમાં ગુરુપૂર્ણિમાના અવસરે લોકોનું કીડિયારું જોઈ ચોંકી જશોઃ જુઓ Video
પ્રસુતાને નદીમાંથી લઈ જવાતો વીડિયો થયો હતો વાયરલ
આઝાદીના 75 વર્ષ બાદ આ ગામમાં આજે પણ આવનજાવન માટે નદી ઉપર કોઈપણ પ્રકાર સુવિધા મળી શકી નથી. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી પારાવાર સમસ્યાઓ ભોગવતા આ વિસ્તારના લોકો માટે જાણે કે સમસ્યા જ જીવન હોય તેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં નદીના ધસમસ્તા પ્રવાહ વચ્ચે પ્રસુતા મહિલાને જોળીમાં નાખી નદીની સામે પર લઈ જવાતો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગુજરાત તકની ટીમ દ્વારા તેની વિશેષ રજૂઆત કરી હતી. તેમજ આજે ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા જતા સ્થાનિકોએ પારાવાર સમસ્યાની રજૂઆત કરી હતી.
4 મહિના શાળા બંધ, શિક્ષણથી રહેવું પડે છે વંચિત
મોટાભાગે કોઈપણ વિસ્તારમાં સ્થાનિકોને અસુવિધા સર્જાય ત્યારે તેના ઉપર રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ થતો હોય છે ત્યારે સાબરકાંઠાના પોશીના તાલુકાના કાલી કાકર ગામે સ્થાનિક લોકોને પડતી વારંવાર મુશ્કેલીનો રિપોર્ટ ગુજરાત તક ઉપર રજૂ કરાયો હતો. જેના પગલે આજે તેની ઇમ્પેક્ટ જોવા મળી હતી. આજે સ્થાનિક ધારાસભ્ય તુષાર ચૌધરી રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ નદી ઉપર પુલ મામલે સ્થાનિકો સાથે વિવિધ વિગતો મેળવી આગામી સમયમાં તાત્કાલિક ધોરણે પુલનું કામકાજ શરૂ થાય તેવી રજૂઆત કરી હતી. સાથોસાથ આ વિસ્તારમાં પુલના અભાવે શિક્ષણ જગત માટે પણ પાયાનું સમસ્યા બની રહે છે. ચોમાસામાં વરસાદ આવતા નદીમાં પાણીનો પ્રવાહ વધે છે. ત્યારે કાલીકાકર ગામના આ ફળિયામાં જઈ શકાતું નથી. જેથી ચાર મહિના સુધી ગામની શાળા બંધ રહે છે. બીજી તરફ મધ્યાહન ભોજન વિના શાળાના બાળકો ટળવળે છે. તો સ્થાનિક ગ્રામજનો માટે પણ સસ્તા અનાજની દુકાન નદીની સામેની તરફ હોવાના પગલે કોઈપણ પ્રકારનું રાશન મેળવી શકતા નથી. જેથી લોકો માટે પણ ભારે સમસ્યા બની રહે છે. જોકે ચૂંટણી પ્રચાર સહિત રાજકીય લોકો અને વહીવટી તંત્ર દ્વારા સઇ નદી ઉપર ચાર વખત પુલ બનાવવાના ખાતમુહૂર્ત થયા છે. ત્યારે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ બજેટ સાથેની રજૂઆત થશે તો જ હવે ખાતમુહૂર્ત થઈ શકશે તેમ જણાવી સ્થાનિકો સાથે ખડે પગે હોવાની રજૂઆત કરી હતી.
જોકે સાબરકાંઠાના પોશીના તાલુકાના કાલીકાકર ગામે સઇ નદી ઉપર પુલ બનાવવા મામલે લગ્નને લગ્નને કુંવારા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે આગામી સમયમાં સ્થાનિકોમાં હજુ પણ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પુલ બનાવવાની માંગ કરાઇ છે ત્યારે જોવું એ રહે છે કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે કેવા અને કેટલા પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT