Photos : 980 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'સુદર્શન સેતુ' પર પહેલા જ વરસાદે ગાબડા, તિરાડો પણ પડી

Gujarat Tak

24 Jul 2024 (अपडेटेड: Jul 24 2024 6:37 PM)

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજ પર એક જ વરસાદમાં ગાબડા પડી ગયા છે. તો રોડ પર ગાબડા બાદ સળિયા પણ દેખાવા લાગ્યા છે. કેટલીક જગ્યાએ તિરાડો પણ જોવા મળી રહી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

Dwarka Sudarshan Setu Bridge damage

સુદર્શન સેતુ પર ગાબડા

follow google news

Dwarka Sudarshan Setu Bridge : ગત ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં 980 કરોડના ખર્ચે બનેલા 'સુદર્શન સેતુ' કેબલ સ્ટેઈડ બ્રિજનું ઉદ્ઘાટન કરાયું હતું. આ બ્રિજ ઓખા મેઇનલેન્ડ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે. ત્યારે હવે આ બ્રિજ પર લોકાર્પણના છ મહિનામાં જ ગાબડા અને તિરાડો જોવા મળી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે દ્વારકા અને અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા હતા. ત્યારે આ કરોડોના ખર્ચે બનેલા સુદર્શન બ્રિજ પર એક જ વરસાદમાં સળિયા દેખાવા લાગ્યા છે.

પહેલા જ વરસાદમાં 'સુદર્શન સેતુ' પર ગાબડા

દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઈડ બ્રિજ પર એક જ વરસાદમાં ક્ષતિ નજરે પડી છે. તો બ્રિજના રોડ પર ભારે માત્રામાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરાયો હોવા છતાં દ્વારકામાં પડેલા પહેલા જ વરસાદમાં ગાબડા દેખાવા લાગ્યા છે. કેટલીક જગ્યાએ સિમેન્ટ ઉખડી જતા અંદરના સળિયા બહાર આવી ગયા છે. અંદાજે દોઢ ફુટ બાય દોઢ ફૂટનું સિમેન્ટ કોંક્રિટ ઉખડી ગયું છે. તિરાડો પણ જોવા મળી રહી છે. જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ હોવાની માહિતી છે. આ ક્ષતિ સામે આવતા જ લોકો ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે.

6 મહિનામાં દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજની સ્થિતિ પર સવાલ

માત્ર 6 મહિનામાં જ સુદર્શન બ્રિજ પર ગાબડા અને તીરાડો જોવા મળતા ખળભળાટ મચી ગયો છે. પ્રથમ ચોમાસામાં જ બ્રિજમાં ખામી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સમગ્ર ઘટનાક્રમ બાદ તપાસ સહિતની તાજવીજ હાથ ધરાઈ છે. જણાવી દઈએ કે, આ બ્રિજ એસ.પી. સિંગલા કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દ્વારકામાં દુર્ઘટનાઃ જર્જરિત મકાન ધરાશાયી થતાં વૃદ્ધા સહિત ત્રણના મોત, પરિવારમાં માતમ

'સુદર્શન સેતુ' ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેઇડ બ્રિજ

ગત ફેબ્રુઆરી મહિનામાં બેટદ્વારકાને ઓખામંડળ સાથે જોડતા લગભગ અઢી કિલોમીટર લાંબા કેબલ-સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. જે બ્રિજનું નામ 'સુદર્શન સેતુ'અપાયું છે. આ બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ડેઇડ બ્રિજ છે. બંને વિસ્તાર વચ્ચે સદીઓ પછી પહેલી વખત જમીનમાર્ગે જોડાયો છે. આ સેતુ બૃહદ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો ભાગ છે, જેના હેઠળ આ વિસ્તારમાં ધાર્મિક ઉપરાંત અન્ય પ્રકારના પર્યટનને પ્રોત્સાહન આપવાનો તથા અન્ય નવીન આકર્ષણોને ઉમેરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ બ્રિજ રૂ. 980 કરોડના ખર્ચે તૈયાર થયેલો છે. જેમાં બંને બાજુ ફૂટપાથ પર સોલાર પૅનલ લગાડવામાં આવી છે, જે એક મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે. આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ તથા શ્રીકૃષ્ણની અલગ-અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે. 

    follow whatsapp