દાહોદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને સુરક્ષા દળોનો ચાંપતો બંદોબસ્ત છે. ગુજરાતની અન્ય રાજ્યોને અડીને આવેલી સરહદો પર પણ સતત પોલીસની નજર છે. આ તરફ નોટબંધી થયે વર્ષો વિત્યા પછી પણ કોઈ વ્યક્તિ પાસે આટલી માત્રામાં જુની નોટો હોય તે પણ ચોંકાવનારું છે. પરંતુ આ હકીકત છે, દાહોદના ઝાલોદ પાસેથી પોલીસ ચેકપોસ્ટ પરથી પોલીસે 2 શખ્સોને જુની 500-1000 ના દરની નોટો સાથે ઝડપી પાડ્યા છે અને તે પણ એક બે નહીં પણ કુલ 18.99 લાખની મત્તા સાથે.
ADVERTISEMENT
સ્કૂલબેગમાં મુકી હતી જુની નોટો
દાહોદના ઝાલોદ ખાતે આવેલી ગરાડુ ચેક પોસ્ટ પાસેથી એસએસટી ટીમ અને પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં જુની નોટો ઝડપી પાડવામાં આવી છે. આ ચેક પોસ્ટ પર સતત સુરક્ષા દળો વાહન ચેકિંગથી લઈને વિવિધ ચૂંટણી દરમિયાન તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી રહ્યા હતા ત્યારે આ બે શખ્સો પાસેથી તેમને મોટા પ્રમાણમાં જુની રદ્દ થયેલી નોટો મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણીનો સમય હોઈ આદર્શ આચાર સંહિત્તા લાગુ છે. ગુજરાતમાં કોઈ રીતે ગેરકાયદે હથિયારો કે દારુ કે રોકડ રૂપિયા ઘૂસાડી મતદાનને અસર પહોંચે તેવા મનસુબા પુરા થાય નહીં તેવા તમામ સામે કાર્યવાહી કરવા તંત્ર સજ્જ બન્યું છે. દરમિયાનમાં દાહોદમાંથી જુની નોટો સાથે બે શખ્સો ઝડપાય તે ચોંકાવનારી બાબત છે. આ શખ્સો બાઈક પર આવીને ચેકપોસ્ટ ક્રોસ કરવાના પ્રયત્નો કરતા હતા. આ ઉપરાંત તેમની પાસે સ્કૂલ બેગ હતી જેમાં આ મત્તા મુકી રાખવામાં આવી હતી.
પોલીસ નોટો જોઈને સ્તબ્ધ
પોલીસે જુની નોટો સાથે જે બે શખ્સોને ઝડપ્યા છે તેમની પાસેથી કુલ રૂપિયા 18,99,500ના દરની જુની નોટો જેમાં 500ની 1317 અને 1000ની 1241 નોટો હતી. પોલીસે જ્યારે આટલી માત્રામાં જુની નોટો જોઈ ત્યારે તે પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ મામલાને લઈને ઝાલોદના ડીવાયએસપી ડી આર પટેલ કહે છે કે, ઝાલોદ પોલીસ સ્ટેશનની ગરાડુ ચેકપોસ્ટ પર પોલીસ તપાસમાં હતી ત્યારે માનસીંગ ડામોર અને ગુણવંત નિનામા બાઈક પર આવ્યા હતા. તેમની પાસે સ્કૂલ બેગ હતી. તે બેગ ચેક કરતાં તેમાં જુની રદ્દ થયેલી ચલણી નોટો મળી આવી હતી. તેમની પુછપરછ કરી કે નોટો ક્યાંથી લાવ્યા તો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી તેમની ધરપકડ કરીને તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(વીથ ઈનપુટઃ શારદુલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT