Banaskantha News: બનાસકાંઠાના દાંતામાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેમાં દાંતા તાલુકાની એક સરકારી સ્કૂલમાં 3 સગી બહેનોને કરંટ લાગતા 2 સગી બહેનોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. તો અન્ય એક બાળકીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બે બાળકીના મોતને પગલે પરિવારમાં આક્રંદ છવાયું છે.
ADVERTISEMENT
હીંચકા ખાતી વખતે લાગ્યો બાળકીઓને કરંટ
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા (Banaskantha)ના દાંતા તાલુકાના મોરડુંગળા ગામે એક પરિવાર સમાજિક પ્રસંગે આવ્યો હતો. આ દરમિયાન આ પરિવારની ત્રણ દીકરીઓ કરણી ડાભી, દીવા ડાભી અને નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકા ખાવા માટે ગઈ હતી. પ્રાથમિક શાળામાં હીંચકા ખાતી વખતે ત્રણેય બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો.
બે બાળકીના નિપજ્યાં મોત
આ દુર્ઘટનામાં બે બાળકીના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. તો એક બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મોરડુંગળા ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલા લોખંડના હીંચકા નજીક વીજ બોર્ડ લગાવેલું હતું, જેમાંથી કરંટ આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.
પરિવારમાં માતમ છવાયો
સ્કૂલના ગ્રાઉન્ડમાં હસતી રમતી બાળાઓ અચાનક મોતને ભેટતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. તો બીજી તરફ મૃતક બાળકીના પરિવારમાં માતમ છવાયો છે.
ઈનપુટઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી
ADVERTISEMENT