Amreli Crime News: અમરેલી જિલ્લામાંથી ક્રાઈમનો ફિલ્મી બનાવ સામે આવ્યો છે. જેમાં પિયર જવા જેવી સામાન્ય બાબતે પુત્રવધૂએ તેની માતા સાથે મળીને સાસુની કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી જવા પામી છે. હાલ પોલીસે ભેદભરમ ભરેલી ક્રાઈમની ઘટનાનો ભેદ ઉકેલીને માં-દીકરીની ધરપકડ કરી લીધી છે.
ADVERTISEMENT
વહુએ સાસુની કરી નાખી હત્યા
ખૌફનાક ક્રાઈમ સિરિયલની ઘટનાને પણ ઝાંખી પાડે તેવી નિર્મમ હત્યાની ઘટના અમરેલી જિલ્લાના સાવરકુંડલાની ફ્રેન્ડ્સ સોસાયટીમાં ઘટી હતી. બીનાબેન પાઠક નામની મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી, જેમાં તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ બીનાબેન પાઠકની હત્યા તેમની પુત્રવધૂ તેમજ તેમની વેવાણે લાદી-પથ્થર કાપવાના કટર વડે ગળું કાપીને હત્યા કર્યાનું સામે આવ્યું હતું.
8 મહિના પહેલા થયા હતા વૈભાવના લગ્ન
સાવરકુંડલાના Dysp પી.આર.રાઠોડે જણાવ્યું કે, સાવરકુંડલાની ફ્રેન્ડ્સ સોસાયટીમાં રહેતા અને રાજુલાની ખાનગી બેંકમાં નોકરી કરતા વૈભવ પાઠકના 8 મહિના પહેલા જ અમદાવાદના સોનલબેન કિરીટભાઈ શાસ્ત્રીની દીકરી શ્વેતા સાથે થયા હતા. પરંતુ શ્વેતા અને વૈભવની માતા બીનાબેનની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. બે દિવસ અગાઉ વૈભવના ઘરે અમદાવાદથી તેના સાસુ સોનલબેન શાસ્ત્રી આવ્યા હતા. તે દિવસે સાંજે જ્યારે વૈભવ નોકરીએથી ઘરે આવ્યો ત્યારે માતા બીનાબેન પાઠકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેણે બહાર રાડારાડ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા.
મા-દીકરીએ બનાવ્યો પ્લાન
તેઓએ જણાવ્યું કે, સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ દરમિયાન પોલીસ સમક્ષ વૈભવ પાઠકે જ તેની માતાની હત્યા કરી નાખી હોવાનો આક્ષેપ સાસુ સોનલબેન શાસ્ત્રીએ કર્યો હતો તો વૈભવે તેની સાસુ અને પત્નીએ તેની માતાની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસની પૂછપરછમાં કબૂલાત કરી
જે બાદ પોલીસ દ્વારા સતત કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ માં-દીકરી(સોનલબેન-શ્વેતા) પોપટની જેમ બોલવા લાગ્યા હતા. પોલીસની આકરી પૂછપરછમાં બીનાબેન પાઠકની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. વૈભવ પાઠકની પત્ની શ્વેતા એ જ તેની માતા સાથે મળીને સાસુની હત્યા કરી નાખી હોવાનું તેઓેએ કબૂલ્યું હતું.
અવારનવાર ઘરમાં થતો કંકાસઃ Dysp
પી.આર.રાઠોડે જણાવ્યું કે, પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત ખૂલી હતી. શ્વેતાને તેની સાસુ બીનાબેન સાથે અવારનવાર કંકાસ થતો રહેતો હતો. જેથી તેણે જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. શ્વેતાએ તેની સાસુ બીનાબેનને મરચું છાંટી અને માથામાં કોઈ પદાર્થ મારી હુમલો કર્યો હતો, જેથી બીનાબેન ત્યાં જ ઢળી પડ્યાં હતાં. બાદમાં શ્વેતાએ કટરની પીન પ્લગમાં ભરાવી હતી અને પોતાનાં સાસુને પકડી રાખ્યાં હતાં, વેવાણ સોનલબેને માથાના ભાગે, ડોકના ભાગે, આંખ, કપાળ તથા પેટ પર ઈલેક્ટ્રિક કટર ફેરવી દઈ નિર્મમ હત્યા કરી નાખી હતી.
રિપોર્ટઃ ફારૂક કાદરી, અમરેલી
ADVERTISEMENT