શક્તિસિંહ રાજપુત.અંબાજીઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં હાલમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી મેઘમહેર યથાવત છે. ચોમાસાની શરૂઆતમાં વરસાદ આવે તો મેઘ મહેર તરીકે ખેડૂતોમાં અને લોકોમાં ભારે ખુશી જોવા મળતી હોય છે તો બીજી તરફ ભારે વરસાદ આવવાથી ઘણી વખત મેઘ કહેર પણ થવાના લીધે ખેડૂતોને નુકસાન થવાનો વારો આવતો હોય છે અને ક્યારેક લોકોના જીવ પણ જતા હોય છે. દાંતા તાલુકામાં આવો ગોઝારો બનાવ સોમવારે બપોરે બન્યો હતો. દાંતા તાલુકામાં આવેલા રંગપુર ગામે ધામણી નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. આ નદીમાં સોમવારે બપોરે રંગપુર ગામના કિશનજી ઠાકોર ધામણી નદીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ અચાનક તણાવવા લાગ્યા હતા. આ ઘટના જોઈને તેમના પિતા ભલાજી ઠાકોર તાત્કાલિક કંઈ પણ વિચાર્યા વિના નદીમાં કૂદી પડ્યા હતા ત્યારે ભારે પ્રવાહને પગલે બંને પિતા પુત્ર તણાવવા લાગ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા ગ્રામજનો તાત્કાલિક ધામણી નદી ઉપર એકઠા થયા હતા અને ત્યારબાદ વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. દાંતા તાલુકાના રંગપુર ગામે બનેલી ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગરીબ પરિવારે પિતા પુત્રને એક સાથે ગુમાવ્યા છે. પિતા પુત્રના એકસાથે મોત થતાં ઘર ઉપર મોટી આફત આવી ગઈ છે.
ADVERTISEMENT
પિતા પુત્ર મૃત મળતા સર્જાયા કરુણ દ્રશ્યો
પિતા પુત્ર નદીમાં તણાવ્યા બાદ સોમવારે બપોરે રંગપુર ગામના ગ્રામજનો દ્વારા દાંતા મામલતદાર અને પોલીસને જાણ કરાયા બાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તરવૈયાઓ દ્વારા નદીમાંથી પિતા પુત્રની લાશ બહાર કાઢવા માટે ટીમ બનાવી હતી પણ લાશ બહાર ન આવતા તંત્ર દ્વારા દાંતીવાડા ખાતેથી એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા સોમવારે સાંજે નદીમાં ભારે શોધખોળ કરવામાં આવી હતી પણ પિતા પુત્રની લાશ મળી હતી નહીં. ત્યારબાદ મંગળવારે સવારે ફરીથી એસડીઆરએફની ટીમના સભ્યો ધામણી નદીમાં પિતા પુત્રની લાશ શોધવા માટે નદીમાં ઉતર્યા હતા. ભારે મહેનત બાદ સવારે પિતાની લાશ મળી આવી હતી ત્યારબાદ ભારે શોધખોળ કર્યા બાદ નદીના અલગ અલગ વિસ્તારોમાંથી તપાસ કર્યા બાદ પુત્રની લાશ પણ મળી આવી હતી. રંગપુર ગામના રહેવાસી ભલાજી ઠાકોર અને તેમના પુત્રની લાશ ઘરે આવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. પુત્ર કિશન ઠાકોરના ઘરે ત્રણ વર્ષની દીકરી છે અને સાત મહિનાનો છોકરો છે. ઘરની સ્થિતિ પણ ઘર જોતા ખૂબ જ દયનીય લાગી રહી છે. પિતા પુત્રના મોત થતાં ગ્રામજનો દ્વારા અને પરિવારજનો દ્વારા સરકાર પાસે રાહતની માંગણી કરવામાં આવી રહી છે. મૃતક પુત્ર કિશન ઠાકોર ની પત્ની હાથમાં પોતાના નાના છોકરા છોકરીને લઈને ખૂબ જ દયનીય હાલતમાં જોવા મળી રહયા છે. નંદાબેન ભલાજી ઠાકોર મુતકના પત્ની રાહતની માંગ કરી રહ્યા છે. હિનાબેન કિશનજી ઠાકોર, મુતક પુત્રના પત્ની પણ સહાયની માંગ કરી રહ્યા છે. બી આર ચાવડા, પીએસઆઇ, એસ ડી એફ, દાંતીવાડા એ જણાવ્યું હતું કે અમે નદીમાં ભારે શોધખોળ કર્યા બાદ લાશ બહાર કાઢી છે અને લોકોને વિનંતી કરીએ છીએ કે આવા પાણીમાં નાહવા જવું નહીં અને દૂર રહેવું.
ADVERTISEMENT