વીરેન જોશી/મહિસાગર: ગુજરાતમાં ફરી એકવાર જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોના કારણે એક દલિત યુવકનું મોત નિપજ્યું છે. મહિસાગર જિલ્લાના ખાનપુરમાં હોટલ પર દાળબાટી ઓછી આપવા મામલે દલિત યુવકે સામે સવાલ કરતા હોટલ માલિકે જાતિગત શબ્દો બોલીને યુવકને ઢોર માર માર્યો હતો. જેમાં લીવર ફાટી જતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. આ મામલે હોટલ માલિક તથા એક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
દાળબાટી ઓછી આપતા યુવકે હોટલ માલિકને સવાલ કર્યો
વિગતો મુજબ, મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલા લીમડિયા ગામમાં રહેતા રાજુ વણકર રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 7મી જૂનના રોજ રાજુ ઘરેથી રીક્ષા લઈને નીકળ્યો પરંતુ મોડી સાંજ સુધી ઘરે ન આવ્યો આથી તેમની પત્નીએ તેમને ફોન કરીને પૂછતા તેઓ, દાળબાટી ખાવા આવ્યો છે અને ઘર માટે પેક કરાવીને લેતો આવીશ એમ કહ્યું હતું. દાળબાટી પેક કરાવતા તેમાં એક બાટી ઓછી હતી, આથી તેણે હોટલ માલિકને કહ્યું કે, એક બાટી કેમ ઓછી આપી છે? ત્યારે હોટલ માલિક અમિત પટેલે ઝઘડો શરૂ કરી દીધો અને રાજુના માર મારવા લાગ્યા. દરમિયાન તે નીચે પડી ગયો ત્યારે તેને પેટના ભાગે લાતો મારી.
હુમલા બાદ પેટમાં દુઃખાવો થતા યુવકને હોસ્પિટલ લઈ જવાયો
આ પછી હોટલ માલિકે તેને જાતિવાચક શબ્દો કહીને કહ્યું કે, મારી હોટલે આવશો તો જાનથી મારી નાખીશું. આ બાદ રીક્ષા લઈને ઘરે ગયેલા રાજુના પેટમાં તીવ્ર દુઃખાવો શરૂ થઈ ગયો. જેથી તેને 108માં પહેલા લુણાવાડા અને પછી ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. અહીં તેની સ્થિતિ ગંભીર થતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં તેનું મોત થઈ ગયું.
જીગ્નેશ મેવાણી SSG હોસ્પિટલ પહોંચ્યા
રાજુના પિતા દ્વારા સમગ્ર મામલો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ ગત રાત્રે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જે બાદ તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, આરોપીઓની ધરપકડ ન કરવામાં આવે ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવાના નથી.
ADVERTISEMENT