દાહોદમાં પોલીસની સરાહનીય કામગીરી, 24 કલાકમાં 8 બાળકોને શોધીને પરિવાર સાથે મેળાપ કરાવ્યો

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લામાં લીમખેડા તથા દેવગઢ બારિયા વિસ્તારમાં 8 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના અનુસંધાને પોલીસે જુદી જુદી ટીમો…

gujarattak
follow google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદ જિલ્લામાં લીમખેડા તથા દેવગઢ બારિયા વિસ્તારમાં 8 બાળકો ગુમ થયા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેના અનુસંધાને પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને 24 કલાકની અંદર આ બાળકોને શોધી કાઢ્યા હતા. બાળકોનું પરિવાર સાથે પુન: મિલન થતા તેમના માતા-પિતાએ પણ હાશકારો લીધો હતો.

વિગતો મુજબ, લીમખેડામાં એકલવ્ય મોડેલ સ્કૂલમાં ધોરણ 10ના 3 અને ધો.9ના બે બાળકો વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયા હતા. આ અંગે વાલી દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો બીજી તરફ દેવગઢ બારિયા તાલુકામાં એક જ પરિવારની 3 બાળકીઓ કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી હતી. આમ બે બનાવમાં કુલ 8 બાળકો ગુમ હોવાથી લીમખેડા અને દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

ખાસ છે કે તાજેતરમાં જ દાહોજ જિલ્લામાંથી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઈ હતી. એવામાં પોલીસે મામલાને ગંભીરતાથી લીધો હતો અને જુદી જુદી 6 ટીમો બનાવીને બાળકોની શોધખોળ આદરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ, બસ સ્ટેશનો, મંદિરો, પ્રવાસન સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં બે બાળકોને દાહોદ બસ સ્ટેશનથી, 3 બાળકોને લીમખેડાના બજારમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. તો દેવગઢ બારિયા વિસ્તારની એક જ પરિવારની 3 બાળકીઓ પાવાગઢ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી. તમામ બાળકોને પોલીસે તેમના વાલીઓને સોંપ્યા હતા.

    follow whatsapp