Dahod Accident News: દિવાળીના તહેવારમાં રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદ-બગોદરા હાઈવે પર અક્માતમાં બે લોકોના કરુણ મોત બાદ દાહોદમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર જતા પતિ-પત્ની અને પુત્રના મોત થઈ ગયા છે. જ્યારે પુત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
બાઈક પર જતા પરિવારને પિકઅપ વાહને ટક્કર મારી
વિગતો મુજબ, દાહોદના ગરબાડા તાતુલાકના જેસાવાડા નજીક પવાભાઈ પરમાર પોતાના પરિવાર સાથે બુધવારે રાત્રે બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન જેસાવાડા નજીક કાળિયા ડુંગરી વળાંક પાસે પુરપાટ ઝડપે આવતા પીકઅપ વાહને બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર પરિવાર હવામાં ફંગોળાઈને નીચે પડ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે પતિ-પત્ની અને 10 વર્ષના પુત્રનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
એક જ પરિવારના 3 સભ્યોના મોત
આમ પળવારમાં જ રોડ પર બેફામ દોડતી પિકઅપ વાહને આખા પરિવારનો માળો વિખેરી નાખ્યો હતો. એક જ પરિવારના 3 સભ્યોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. હાલમાં મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT