Dahod News: દાહોદના રોઝમ ગામમાં એક કરુણ દુર્ઘટના બની છે. પાણી પૂરવઠા વિભાગની નિર્માણાધીન ટાંકી ધરાશાઈ થઈ જતા 2 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 5 જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જેમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ચારેય બાજુ અફરા તફરા સર્જાઈ હતી અને મોડી રાત સુધી કાટમાળમાં દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
40 ફૂટ ઊંચી ટાંકીનો સ્લેબ તૂટ્યો
વિગતો મુજબ, દાહોદ જિલ્લામાં આવેલા રોઝમ ગામમાં પાણી પૂરવઠા વિભાગની ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું. આ માટે 15 જેટલા મજૂરો કામગીરી કરી રહ્યા હતા. અકસ્માત સમયે પાણીની ટાંકી પર 5 અને નીચે બે શ્રમિકો હતા. અચાનક 40 ફૂટ ઊંચી ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો હતો અને નીચે રહેલા બંને શ્રમિકો તેના કાટમાળમાં દટાઈ ગયા હતા, તો ઉપર રહેલા શ્રમિકો પણ નીચે પડતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
નીચે ઊભેલા મજૂરો સ્લેબના કાટમાળમાં દબાયા
ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી. તો દાહોદના કલેક્ટર પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે જણાવ્યું કે, ઈજાગ્રસ્ત 5 મજૂરોને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે, તેમાંથી બે મજૂરોની હાલત વધારે ગંભીર છે. તેમને કરોડરજ્જૂ અને ફેફસામાં ઈજા પહોંચી છે. ઘટના કેવી રીતે બની તેની તપાસ માટે મામલતદાર અને ઈજનેરને પ્રાથમિક તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
(શાર્દુલ ગજ્જર, દાહોદ)
ADVERTISEMENT