દાહોદ: દાહોદ રેલ્વે સ્પોર્ટસ સંકુલ ખાતે ઝોન કક્ષાનો રમતોત્સવનો પ્રારંભ સાંસદ જસવંતસિંહ ભાભોરે કરાવ્યો હતો. આ રમતોત્સવમાં દાહોદ, રાજપીપળા, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ, કઠલાલ, સંતરામપુર, પંચમહાલના 300થી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, દાહોદ આયોજીત મધ્ય ગુજરાત ઝોનના ડાયટ-સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓના ડી.એલ.એડ. અને બીએડ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ યોગનું સુંદર નિર્દશન કરતા લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. રમતોત્સવમાં દોડ, લાંબી કુદ, વોલીબોલ, ખોખો, યોગ સહિતની રમતો સામેલ કરાઇ છે.
ADVERTISEMENT
સાંસદ જસવંતસિંહે કહ્યું…
ઝોન કક્ષાના રમતોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ દેશના 115 મહત્વાંકાક્ષી જિલ્લાઓમાં દાહોદનો સમાવેશ કર્યો છે. તદ્દઉપરાંત સ્માર્ટ સીટી તરીકે દાહોદ નગરનો પણ કરોડોના ખર્ચે વિકાસ કરાઇ રહ્યો છે. દાહોદને રૂ. 20 હજાર કરોડના રેલ્વે એન્જિન માટેના પ્રોજેક્ટની ભેટ ધરી છે ત્યારે દાહોદ જિલ્લો રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરાઇ છે તેમાં પ્રધાનમંત્રી મોદીનું મહત્વનું પ્રદાન છે. તેમણે યોગ તેમજ ફીટ ઇન્ડિયા જેવા અભિયાનો થકી દેશને રમત ગમત ક્ષેત્રે નવી રાહ ચીંધી છે. આપણા દાહોદ જિલ્લામાં પણ ઉત્તમ ખેલાડીઓ છે. તેમને પ્રોત્સાહન મળે અને તેઓ રાજ્ય અને દેશમાં પોતાનું નામ રોશન કરે એ માટેની તમામ સુવિધાઓ સરકાર દ્વારા અપાઇ રહી છે. ત્યારે આજના રમતોત્સવમાં સૌ ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે એ માટેની સાંસદશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ યોગના અવનવા કૌશલ બતાવનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કોણ કોણ રહ્યું હાજર
આ વેળાએ ધારાસભ્ય સર્વે મહેશ ભૂરીયા, કનૈયાલાલ કિશોરી, મહેન્દ્ર ભાભોર, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિતના પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ સહિતના અધિકારીઓ તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT