કચ્છ: બિપોરજોય વાવાઝોડુ ગુજરાત તરફ સતત આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા વાવાઝોડાને લઈ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન ગુજરાતમાં 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.ત્યારે કચ્છના મોટા 9 ગામો બ્એ દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવાંમાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાએ કોરોના લોકડાઉનની યાદ આપવી છે.
ADVERTISEMENT
સંભવિત વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ કચ્છના 9 મોટા ગામ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાનામઢ, કોટડા જડોદર,નારાયણ સરોવર, નલીયા, કોઠારા, નખત્રાણા સહિત 9 ગામોની બજારો બંધ રાખવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આવશ્યક વસ્તુઓ સિવાય 14-6-2023 નાં સાંજે 8 વાગ્યાથી તા 16-6-2023 નાં 6 વાગ્યા સુધી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે દરિયાકિનારાની નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
વાવાઝોડાને લઈ NDRF અને SDRF ની ટીમ તૈનાત
સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 6 , દેવભૂમિ દ્વારકામાં 3 , રાજકોટમાં 2 , જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT