સુરત: બિપોરજોય વાવાઝોડુ 15 જૂનના રોજ કચ્છમાં ત્રાટકે તેવી સંભાવના છે. આ દરમિયાન રાજ્યના દરિયા કિનારા પર વાવાઝોડાની અસર થઈ રહી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ગુજરાત સાથે પ્રધાનમંત્રી ઓફિસ સીધા સંપર્કમાં છે. અને શક્ય એટલું ઓછું નુકશાન થાય તે માટે પ્રયત્નો વહીવટી તંત્ર કરી રહ્યું છે. ત્યારે આજે મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી હતી અને તંત્ર દ્વારા થતી કામગીરીની સમીક્ષા કરી હતી.
ADVERTISEMENT
સંભવિત વાવાઝોડાને પગલે સુરત જિલ્લાના ત્રણ તાલુકાના 42 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે સુરત જિલ્લાના ડભારીના 21 ગામોને અસર થઇ શકે છે. જેને લઈ તંત્ર એક્શન મોડ પર આવ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. ગામના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને જો સ્થળાંતરની જરૂર પડે તો તેની તમામ વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. NDRFની ટીમ પણ તૈનાત કરી દીધી છે. ત્યારે મંત્રી મુકેશ પટેલે દરિયા કિનારા પર વસવાટ કરતાં લોકોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કહ્યું હતું કે વાવાઝોડાની સ્થિતિને લઈને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે.
15મી જૂને ગુજરાતના કાંઠે ત્રાટકશે વાવાઝોડું
સ્કાયમેટની આગાહી મુજબ, બિપોરજોય વાવાઝોડાનું જોખમ પહેલા ગુજરાતમાં નહોતું, પરંતુ દિશા બદલાતા હવે ગુજરાત પર ખતરો ખૂબ વધી ગયો છે. 15મી જૂને તે ગુજરાતના તટ સાથે ટકરાશે. 15 તારીખે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આ બાદ 16-17 તારીખે રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે. વાવાઝોડાનું લેન્ડફોલ ભારતમાં હોવા છતાં પાકિસ્તાનને પણ એટલું જ જોખમ રહેશે. વાવાઝોડું આગળ વધતા હરિયાણા અને દિલ્હીમાં પણ 18 અને 19 તારીખે ભારે વરસાદ પડશે.
ADVERTISEMENT