ગાંધીનગરઃ ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાનની ઘટનાઓ બની, સરકારી ભરતીઓમાં કૌભાંડો થયા પરંતુ આખરે આ મામલામાં એક કડક કાયદાની માગ પ્રબળતાથી ઉઠી પછી સરકારની આંખોના પટ્ટા ખુલ્યા અને ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રના પહેલા જ દિવસે વિધાનસભામાં સરકાર દ્વારા પેપર ફૂટવાથી લઈ તમામ બાબતોમાં ગેરરીતિ અટકાવવા નવો કાયદો પસાર કરવામાં આવ્યો હતો. હવે આ કાયદાને ગુજરાતના રાજ્યપાલ દ્વારા મંજુરીની મહોર લગાવવામાં આવી છે.
ADVERTISEMENT
પેપરલીકકાંડ અંગે આ પણ જાણો
ગુજરાતમાં અગણીત પેપરકાંડ થયા, અગણીત એટલે કારણ કે કોઈને આ અંગેની સાચી માહિતી નથી કે ગુજરાતમાં પેપર ફૂટ્યા કેટલા? કેટલા ભરતી કૌભાંડ થયા? કેટલી પરીક્ષાઓમાં સેટિંગ થયા? દરેક પોત પોતાની રીતે દાવો કરે છે પરંતુ વાસ્તવીક આંકડો કાંઈક જુદો જ હશે તે નક્કી છે. હાલમાં ગુજરાતમાં જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું ત્યારે પરીક્ષાના ગણતરીના કલાકો પહેલા જ સરકાર દ્વારા પરીક્ષા મોકુફ કરી દેવામાં આવી હતી. અચાનક પરીક્ષા રદ્દ થઈ જતા વિદ્યાર્થીઓ ભારે નારાજ થયા હતા, દુખી થયા હતા. જેના કારણે વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. ત્યારે આ મામલાને લઈને સચોટ અને કોંક્રિટ કાયદો ઘડવામાં આવે તેની માગ થઈ હતી. ચૂંટણી દરમિયાન પણ પેપર લીકનો મુદ્દો હોટ ફેવરીટ મુદ્દાઓ પૈકીનો એક રહ્યો હતો.
સરકારના કાન આમળ્યા ત્યારે બન્યો કાયદો
આખરે વિપક્ષ, લોકો અને વિદ્યાર્થીઓએ સરકારના કાન એવા આમળ્યા કે નવી સરકારની રચના પછીના પહેલા જ વિધાનસભા સત્રમાં પહેલા જ દિવસે સરકારે આ પરીક્ષા માટે યોગ્ય કાયદો પસાર કરવાનું નક્કી કર્યું અને તે પ્રમાણે કર્યું પણ. આખરે આ કાયદા અંગે ચર્ચા પછી વિધાનસભામાં સર્વસહમતીથી કાયદો પસાર પણ થઈ ગયો હતો. હવે આજે સોમવારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા આ નવા કાયદાને અમલી કરવા માટે મંજુરીની મહોર લગાવી દેવામાં આવી છે. હવે આ કાયદા પ્રમાણે પેપર ફોડનારને દસ વર્ષ સુધીની સજા અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ, જો કોઈ આરોપી પરીક્ષાર્થી છે તો તેને ત્રણ વર્ષ સુધીની સજા અને દોઢ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી કડક જોગવાઈઓ સાથે આ કાયદાને ઠોસ બનાવવામાં આવ્યો છે. હવે રાજ્યપાલની મંજુરી પછી સરકારી ગેઝેટ સાથે આ નવો કાયદો હવે આવનારી સરકારી ભરતીઓ દરમિયાન લાગુ થશે.
ADVERTISEMENT