AHMEDABAD માં નકલી ટિકિટ વેચતા ચાર લબરમુછીયાઓને ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા

અમદાવાદ : 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચની ટિકિટનું મોટા પ્રમાણમાં કાળાબજારી…

gujarattak
follow google news

અમદાવાદ : 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચની ટિકિટનું મોટા પ્રમાણમાં કાળાબજારી થઇ રહી છે. જો કે બ્લેક માર્કેટમાં પણ હવે ગોટાળા થવા લાગ્યા છે. પોલીસ સતત નજર રાખી રહી છે. જો કે ફેસબુક અને અન્ય માધ્યમોથી મોટા પ્રમાણમાં બ્લેકમાં અને ડુપ્લીકેટ ટિકિટો વેચાઇ રહી છે.

ચાર લોકોને પકડીને પોલીસે સંપુર્ણ કૌભાંડનો પર્દાફાશ કર્યાનો દંભ ભર્યો

ચારેબાજુ ટિકિટોની બ્લેકની ચર્ચા થવા લાગી ત્યારે ગુજરાતની સૌથી સતર્ક ગણાતી પોલીસ અચાનક સફાળી જાગી હતી અને છીંડે ચડ્યો તે ચોર તે પ્રકારે ગણત્રીના ત્રણ ચાર આરોપીને પકડીને ફેફસા ફુલાવવા લાગી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાંચે 4 શખ્સોને ભારત-પાકિસ્તાન મેચની 150 નકલી ટિકિટો અને ટિકિટ બનાવવાના મશીન સાથે ઝડપી લીધા છે. આરોપીઓ દ્વારા નકલી ટિકિટ 2000 રૂપિયાની ટિકિટમાં 20000 રૂપિયામાં વેચતા ઝડપી લીધા હતા.

ચારેય લબરમુછીયા સામાન્ય બેકગ્રાઉન્ડ ધરાવતા યુવાન

ચારેય શખ્સોની વાત કરીએ તો અમદાવાદના રહેવાસી કુશા મીણા, જૈમિન પ્રજાપતિ, ધ્રુમિલ ઠાકોર અને ગાંધીનગરનો રહેવાસી રાજવીર ઠાકોર નામના શખ્સોને અમદાવાદ ક્રાઇમબ્રાંચે ઝડપી લીધા છે. આરોપીઓ પાસેથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આયોજીત થનારી મેચની 108 નકલી ટિકિટ મળી આવી છે.

40 ડુપ્લીકેટ ટિકિટ મળી આવી

આ ઉપરાંત આરોપીઓ પાસેથી કંપ્યુટર, પેન ડ્રાઇવ, મોબાઇલ ફોન અને પ્રિંટર સહિત કુલ 1,98,800 રૂપિયાની કિંમતનો સામાન જપ્ત કર્યો છે. આ ઉપરાંત આરોપીઓ દ્વારા વેચવામાં આવેલી 40 ટિકિટો પણ જપ્ત કરવામાં આવી છે. આરોપી કુશ મીણા ઝેરોક્ષની દુકાન ચલાવે છે. જેનો સંપર્ક જૈમિન પ્રજાપતિ અને રાજવીર ઠાકોરે કર્યો હતો. આ બંન્નેએ કુશને એક અસલી ટિકિટ વેંચવાની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ તે ટિકિટની કલર ઝેરોક્ષ કરવાનું શરૂ કર્યું હતું અને ઓનલાઇન વેચવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં તેઓ કેટલી ટિકિટ વેચી ચુક્યા છે તેની તપાસ ચાલી રહી છે.

40 ટિકિટ પકડીને અમદાવાદ પોલીસે પત્રકાર પરિષદ પણ કરી નાખી

જો કે ફેસબુક, ઇન્સ્ટા સહિત અનેક સોશિયલ મીડિયા પર સેંકડો લોકો આ પ્રકારે ટિકિટ વેચી રહી છે. જો કે પોલીસે ચાર લબરમુછીયા જુવાનિયાઓને પકડીને સંપુર્ણ કૌભાંડ ઝડપી લીધાનો દંભ ભરી રહી છે. પરંતુ સોશિયલ મીડિયા પર આની કોઇ અસર જોવા મળી રહી હોય તેવું નથી લાગી રહ્યું. મોટા પ્રમાણમાં ટિકિટો હજી પણ વેચાઇ જ રહી છે.

(અતુલ તિવારી-અમદાવાદ)

    follow whatsapp