અમદાવાદ: મહાઠગ કિરણ પટેલની જમ્મુ-કાશ્મીરમાં નકલી PMO અધિકારી બનીને ફરવાનો ખુલાસો થયા બાદ હવે એક પછી એક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. કાશ્મીર પોલીસની કિરણ પટેલ દ્વારા ધરપકડ બાદ હવે ગુજરાતમાં ઠગ કિરણ પટેલ વિરુદ્ધ પ્રથમ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ સાથે જ માલિની પટેલ પોલીસના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. આજે કાશ્મીરમાં કિરણ પટેલના જામીન પર સુનાવણી છે ત્યારે જો તેને જામીન મળશે તો પણ ક્રાઈમ બ્રાન્ચ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરી શકે છે.
ADVERTISEMENT
પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવવાનો કર્યો હતો પ્રયાસ
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો રૂ.18 કરોડના બંગલો પચાવી પાડવાના પ્રયાસમાં હતો. જેને લઈને જગદીશ ચાવડાએ 7 મહિના પહેલા જ પોલીસમાં અરજી આપી હતી. જોકે કિરણ પટેલે પોતે PMOમાં હોવાનું કહીને બંગલો રીનોવેટ કરાવી સારા ભાવ અપાવવાની લાલચે બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો હતો. રીનોવેશનના નામે તેણે બંગલામાં વાસ્તુ કરાવી નાખ્યું અને ત્યાં પોતાના નામનું બોર્ડ પણ મારી દીધું હતું. તથા રીનોવેશન પેટે રૂ.50 લાખનો ખર્ચ થયો તે પણ જગદીશભાઈએ ભોગવ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલ તથા તેની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં આવતા કિરણ પટેલનો પરિવાર ભૂગર્ભમાં
એવામાં હવે કિરણ પટેલનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસ દ્વારા કિરણ પટેલના પરિવારની ખાનગીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે કિરણ પટેલની પત્ની તથા પરિવારના અન્ય ચાર જેટલા સભ્યો છેલ્લા ત્રણ દિવસથી લાપતા હોવાનું પોલીસનું માનવું છે.
ઉત્તરખંડ પોલીસે પણ કરી કિરણ પટેલની પૂછપરછ
બીજી તરફ હવે ઉત્તરાખંડ પોલીસ પણ શ્રીનગર પહોંચી છે અને કિરણ પટેલની પૂછપરછ કરી રહી છે. કિરણ પટેલે ઉત્તરાખંડના કેદારનાથ-ઋષિકેશમાં PMO અધિકારી હોવાનું બતાવીને વેપારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકને લઈને કિરણ પટેલની પૂછરપછ કરવા ઉત્તરાખંડ પોલીસની ટીમ શ્રીનગર પહોંચી છે.
સુરતના હિરા વેપારીને પણ છેતરવાનો પ્રયાસ
નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારને છેતરીને જમ્મુ કાશ્મીરમાં Z+ સિક્યોરિટી લઈને ફરતા આ મિસ્ટર નટવરલાલ કિરણ પટેલે સુરતના ડાયમંડ કારોબારી દિનેશ ભાઈ નાવડિયાને પણ પોતાની જાળમાં ફસાવ્યા હોવાનો ખુલાસો ખુદ દિનેશ ભાઈ નાવડિયાએ મીડિયા સમક્ષ કર્યો હતો. PMOના નકલી અધિકારી કિરણ પટેલે સુરતના ડાયમંડ કારોબારી દિનેશ નાવડીયાને જી-20 માં ભાગ લેવા માટે વોટસઅપ ઉપર ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું હતું અને કહ્યું હતું કે જી-20 ની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એમને સોંપવામાં આવી છે. આ આમંત્રણ મળ્યા બાદ દિનેશ ભાઈ નાવડિયા એ કિરણ પટેલને કહ્યું હતું કે, તેમને ડાયમંડના કામ અર્થે વિદેશ જવાનું હોવાથી તેઓ જી-20માં નહીં આવી શકે. ત્યારે કિરણ પટેલ એમને કહ્યું હતું કે, રાજ્ય સરકારના એસીએસ ડોક્ટર એસ.કે.નંદા એ પણ આપને આવવા માટે આગ્રહ કર્યો છે. દિનેશ ભાઈ કિરણ પટેલની આ વાત સાંભળીને પીગળી ગયા હતા અને જી-20માં ભાગ લેવા માટે તૈયાર પણ થઈ ગયા હતા.
ADVERTISEMENT