રાજકોટ: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીઓના હુમલાના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ બાદ હવે કેશોદમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવતીના ઘરે રોકાવા માટે આવેલા માસિયાઈ ભાઈએ જ એક તરફી પ્રેમમાં લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારતા છરીના 18 જેટલા ઘા મારી દીધા હતા. ઈજાગ્રસ્ત યુવતીને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
માસિયાઈ ભાઈ ઘરે રહેવા આવ્યો હતો
વિગતો મુજબ, કેશોદમાં રહેતી પ્રિયા (નામ બદલ્યું છે)ના ઘરે તેનો માસિયાઈ ભાઈ કિશન તેના રોકાવા માટે આવ્યો હતો. જે અવાર નવાર તેની પજવણી કરતો હતો. પ્રિયાના માતા નથી અને પિતા ભરતપુરી ગેસ એજન્સીમાં મજૂરી કામ કરે છે. ગઈકાલે શુક્રવારે પ્રિયાના પિતા મજૂરીકામે ગયા હતા અને નાની બહેન સાબૂ લેવા બહાર ગઈ દરમિયાન કિશન અને પ્રિયા ઘરે એકલા હતા. ત્યારે કિશને તેની પજવણી શરૂ કરી હતી જે પસંદ ન હોવાથી પ્રિયાએ તેને આમ ન કરવા માટે કહ્યું હતું.
લગ્નની ના પાડતા ઉશ્કેરાઈને હુમલો કર્યો
બાદમાં કિશને તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે પ્રિયાએ લગ્નની ના પાડતા ઉશ્કેરાયેલો કિશન રસોડામાં ગયો અને ત્યાંથી છરી લઈને પ્રિયા પર હુમલો કરી દીધો હતો. આવેશમાં આવેલા કિશને એક બાદ એક એમ 18 વખત પ્રિયાના છરીના ઘા મારી દીધા હતા. થોડી વારમાં પ્રિયાની નાની બહેન આવતા તેણે લોહીલુહાણ હાલતમાં બહેન જોઈને બુમાબુમ શરૂ કરતા આજુબાજુમાંથી લોકો દોડીને ત્યાં આવી પહોંચ્યા હતા. બીજી તરફ કિશન હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલમાં પ્રિયાને પહેલા જૂનાગઢ અને હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. બીજી તરફ કેશોદ પોલીસે આરોપી કિશનને પકડવા તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT