અમદાવાદ : ગુજરાતમાં કોરોના ફરી એકવાર ફુંફાડા મારવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાની ફરી વાર એન્ટ્રી બાદ અમદાવાદમાં આજે પહેલું મોત કોરોનાને કારણે નોંધાયું છે. કોરોનાને કારણે મોત થતા લોકોમાં ફરી એકવાર ફફડાટ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
દરિયાપુરની મહિલાનું કોરોનાને કારણે નિપજ્યું મોત
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં નવા વેરિયન્ટની એન્ટ્રીના પગલે શહેરના દરિયાપુરમાં પહેલું મોત નિપજ્યું છે. જેમાં 82 વર્ષીય વૃદ્ધાનું મોત નિપજ્યું છે. જેના કારણે તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇએલર્ટ પર છે. ટીબીના દર્દી વૃદ્ધા લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં કોરોના ફરી વિસ્ફોટ બનશે?
અમદાવાદમાં કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં 1 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. સરખેજ અને રાણીપમાં બે કેસ નોંધાયા છે. 1 વ્યક્તિ સિંગાપોરથી આવ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ શહેરમાં કુલ 34 લોકો આઇસોલેશનમાં છે. એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં કુલ 35 એક્ટિવ કેસ છે.
ADVERTISEMENT