Salangpur Hanumanji Temple: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિરમાં વિવાદિત ભીંત ચિત્રોનો આખરે ઉકેલ આવી ગયો છે. મોડી રાત્રે મંદિર પરિસરમાં બંધ લાઈટોમાં ભીંત ચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને પડદા ઢાંકીને ચિત્રોને હટાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
હનુમાનદાદાના વિવાદિત ચિત્રો હટાવાયા
ભર અંધારામાં આ ભીંત ચિત્રો હટાવીને તેની જગ્યાએ નવા ચિત્રો લગાવવામાં આવ્યા હતા. હનુમાન દાદાના સહજાનંદ સ્વામીના સેવક તરીકેના ચિત્રોને હટાવીને તેની જગ્યાએ સંતોના નવા ચિત્રો મૂકવામાં આવ્યા છે. વિવાદિત રહેલા બંને ચિત્રોને વડલાત ગાદીના સંતોએ મોડી રાત્રે હટાવી લીધા હતા. જોકે આ મામલે મીડિયાને કવરેજ કરતા રોકવાનો પ્રયાસ કરાયો હતો.
મીડિયાને સમગ્ર કામગીરીથી દૂર રખાયું
દિવસ દરમ્યાન નિષ્ક્રિય રહેલી પોલીસ એકાએક મધરાતે સંપૂર્ણ સક્રિય થઇ હતી અને મંદિર વહીવટકર્તાઓ દ્વારા પોલીસને આગળ કરીને ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરાયો હકો. એવામાં કોના ઈશારે સમગ્ર કામગીરી પર ઢાંકપીછાડો કરાયો? તે સવાલ થઈ રહ્યો છે.
સરકાર સાથે મંત્રણા બાદ સંતોએ કરી હતી જાહેરાત
નોંધનીય છે કે, આ પહેલા સોમવારે સ્વામિનાયરાણના 5 સંતોનો ગાંધીનગરથી સરકારનું તેડું આવ્યું હતુ અને મુખ્યમંત્રી સાથે તેમની મુલાકાત થઈ હતી. આ બાદ સરકાર અને સંતો વચ્ચે ચર્ચા પછી મંગળવારે સૂર્યોદય પહેલા ભીંતચિત્રોને હટાવી લેવાની જાહેરાત કરવામાં આવી હતી અને મોડી રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT