વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી અને જીત મેળવી હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતની વિધાનસભામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પરંતું કોંગ્રેસનું અત્યાર સુધીમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. ત્યારે કોંગ્રેસની વિધાનસભાની સ્થિતિ જોઇ અને ફેક્ટ ફાઇન્ડર કમિટી તૈયાર કરવામાં આવી હતી. જેના રિપોર્ટને લઈ સતત ચર્ચા કરવામાં આવી રહી છે કે ગુજરાત કોંગ્રેસે 35 બેઠકો પર પૈસા લઈ અને ટિકિટ ફાળવી છે. ત્યારે આ આરોપને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભાર્ગવ ઠક્કરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મામલે ઊભી કરેલી વાતો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં રૂપીયા લઈ ટિકિટ આપવાની વાતનો કોઈ ઉલ્લેખ થયો નથી.
ADVERTISEMENT
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણેય પક્ષે રેકોર્ડ બનાવ્યો. ભાજપે સત્તાનું સિંહાસન ટકાવી રાખવા સાથે ઐતિહાસિક જીત મેળવી છે. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી 150 થી વધુ બેઠકો મેળવી. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવ્યું અને ગુજરાતમાં મળેલા મતને લઈ આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની. જ્યારે કોંગ્રેસનો રેકોર્ડ ખરાબ રહ્યો. છેલ્લા 5 વર્ષમાં જેટલા ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો એટલી બેઠકો પણ પ્રાપ્ત ન કરી. કોંગ્રેસ ફક્ત 17 બેઠકો જીતી શકી. અને આ કોંગ્રેસની હાર બાદ કોંગ્રેસે ફેક્ટ ફાઇન્ડર કમિટીની રચના કરી હતી. જેમાં મીડિયા રિપોર્ટ મુજબ 35 બેઠકો પર પૈસા લઈ અને ટિકિટ આપવામાં આવી હોવાની વાત ચર્ચાઇ રહી છે. જેને લઈ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભાર્ગવ ઠક્કરે ખુલાસો કર્યો છે.
શું લાગ્યો હતો આક્ષેપ ?
ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટને લઈ કોંગ્રેસ પર ગંભીર આરોપ લાગ્યા છે. જેમાં ગત વર્ષે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી હાઇ કમાન્ડ દ્વારા ગુજરાતમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. જોકે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો કોંગ્રેસની ફેકટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ થયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જેમાં 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો છે. વિધાનસભાની ચૂંટણી 2022માં દિલ્હીથી નક્કી થયેલા ઉમેદવારો ગુજરાતના કેટલાક નેતાઓએ બદલી નાખ્યાં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ પોતાના હાઈ કમાન્ડને પણ ઓવરટેક કરી ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જાણો શું કર્યો ખુલાસો
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ભાર્ગવ ઠક્કરે ખુલાસો કરતાં કહ્યું કે, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી મામલે ઊભી કરેલી વાતો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીમાં રૂપીયા લઈ ટિકિટ આપવાની વાતનો કોઈ ઉલ્લેખ થયો નથી. આ બધી હવા ચલાવીને કરવામાં આવેલ વાતો છે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીમાં કયા વોટ લેવામાં કચાશ રહી, કઈ સ્ટેટેજીમાં કચાશ રહી એ વાત થઈ છે. પૈસાના મુદ્દાઓતો મીડિયામાં મે સાંભળ્યા છે. બાકી આ વાત ક્યાંય નથી. કોઈ મીડિયા પાસે આ રિપોર્ટ 99.99 ટકા નથી. મે કાગળ જોયો નથી એવો કોઈ ફેકટ ફાઇન્ડિંગ કમિટીએ રિપોર્ટ આપ્યો જ નથી.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT