લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. આપ નેતા અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બાદ હવે કોંગ્રેસના પણ એક ચાલુ ધારાસભ્ય રાજીનામું આપતાથી ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરીને રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 16 થઈ ગયું છે. એવી ચર્ચા થઈ રહી છે કે, ચિરાગ પટેલ સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ શકે છે.
ADVERTISEMENT
આવા વાતાવરણમાં વધારે ન રહી શકાયઃ ચિરાગ પટેલ
ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલના સૂર બદલાયા છે. તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. કારણ કે કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ સાવ અલગ છે. કોંગ્રેસનું બોલવાનું કંઈક અને કરવાનું કંઈક એવું કામ છે. આ માનસિકતાભર્યા વાતાવરણમાં વધારે સમય રહી ના શકાય એટલે સ્વૈચ્છિક રીતે મારા વિસ્તારના લોકોની લાગણી અને ભાવનાઓને માન આપીને મેં રાજીનામું આપી દીધું છે.
‘અન્ય સાથી મિત્રો પણ કહી શકે છે અલવિદા’
ઘણા સાથી મિત્રો કોંગ્રેસમાં ગૂંગણામળ અનુભવી રહ્યા છે, આગામી દિવસોમાં આ સાથી મિત્રો પણ કોંગ્રેસને અલવિદા કહી શકે છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. પાર્ટી યુવાઓને કોઈ પ્રોત્સાહન આપતી નથી. ગુજરાતના નેતૃત્વની વાત કરુ તો દિલ્હીથી સ્વિચ ઓન થાય અને દિલ્હીથી સ્વિચ ઓફ થાય એવી સ્થિતિ ગુજરાતના નેતૃત્વની છે. ગુજરાતનું નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. કેન્દ્રીય કોંગ્રેસ હજુ રાજપાટમાં જીવી રહી છે. કોંગ્રેસ હીરોમાંથી આજે ઝીરો થઈ ગઈ છે.
મારા લોકો આદેશ આપશે તે પ્રમાણે હું કરીશઃ ચિરાગ પટેલ
મારા વિસ્તારના લોકો મને જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે હું આગળ વધીશ. કારણ કે તેમણે મને જનાદેશ આપ્યો હતો. હું તેમના જનાદેશનું સન્માન કરું છું.
કોણ છે ચિરાગ પટેલ?
ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે.
2022માં જીત્યા હતા ચૂંટણી
ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તેમના પર વિશ્વાસ મૂક્યો હતો અને તેમને ખંભાત બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં ચિરાગ પટેલે 3711 મતથી ભાજપના મયુર રાવલને હરાવ્યા હતા.
ADVERTISEMENT