Politics News: દેશમાં આવતા વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમ-જેમ દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીમાં પક્ષ પલટો થવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે મહીસાગર જિલ્લામાંથી કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મહીસાગર જિલ્લામાં કોંગ્રેસના ગઢમાં આજે મોટું ગાબડું પડી શકે છે.
ADVERTISEMENT
કોંગ્રેસ કાર્યકરો જોડાઈ શકે છે ભાજપમાં
આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરી શકે છે. આજે ખાનપુર APMC વાઈસ ચેરમેન રાજુ જોષી સહિત જિલ્લા કોંગ્રેસ હોદ્દેદાર રમેશ ડામોર અને 12 જેટલા સરપંચ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. સાથે કોંગ્રેસના 100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.
સી.આર પાટીલના હસ્તે ધારણ કરી શકે છે ખેસ
સાંસદ રતનસિંહ રાઠોડના ગામે આજે સ્નેહ મિલન સંમેલન યોજાવા જઈ રહ્યો છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ હાજર રહી શકે છે. આજે પ્રદેશ અધ્યક્ષના હસ્તે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ નેતાઓને મનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
ગતરોજ વિશાલ ત્યાગીએ ધારણ કર્યો ભાજપનો ખેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગતરોજ જામનગરમાં યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 79 વિધાનસભાના ઉમેદવાર વિશાલ ત્યાગી પહોંચ્યા હતા. જેમાં સાંસદ પૂનમ માડમના હાથે ભાજપના ખેસ ધારણ કર્યો હતો. વિશાલ ત્યાગીએ સ્નેહ મિલન કાર્યક્રમમાં આપ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતા સૌ કાર્યકરોએ તેઓને આવકાર્યા હતા.
(વિથ ઇનપુટ વિરેનકુમાર જોશી)
ADVERTISEMENT