Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો ભડકેલો ગુસ્સો હાલ અનેક રીતે ભાજપને દઝાડી રહ્યો છે. પહેલાં આ બાબત રાજકોટ પૂરતી મર્યાદિત રહી પણ આ રોષ વાયુવેગે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રસરી ગયો છે. ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નિવેદન પાઠવવામાં આવ્યા રહ્યા છે. પરષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. જો પરસોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિયાણીઓ જૌહર કરશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. આ વચ્ચે હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું છે અને નામ લીધા વગર પરસોત્તમ રૂપાલા પર પ્રહારો કર્યા છે.
ADVERTISEMENT
પરેશ ધાનાણીના રૂપાલા પર પ્રહાર
પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, 'અહંકાર, હમેંશા હારે છે. રોટી, બેટી, રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક "માતૃ શક્તિ" ને વંદન.., દેશની દિકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ "જૌહર" ની જરૂર નહી પડે.., "જવતલીયા" હજુ તો જીવે છે..! #સ્વાભિમાન_યુધ્ધની_શરુઆત'
નયનાબા જાડેજાનું ક્ષત્રિય સમાજે સમર્થન
આ મામલે હવે ક્ષત્રિય સમાજના સમર્થનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja )ના બહેન નયનાબા જાડેજા આગળ આવ્યા છે. નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા રાજકોટ શહેરમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું છે. સાથે જ 'બોયકોટ રૂપાલા' પણ પોસ્ટર લખેલું છે. નયનાબા જાડેજાએ રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં પોસ્ટર લગાવતા રાજકોટ શહેરનું રાજકારણ ગરમાયું છે.
આ પણ વાંચોઃ 'બોયકોટ રૂપાલા': ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાનું ક્ષત્રિય સમાજને સમર્થન, રાજકોટમાં લગાવ્યા પોસ્ટરો
ગતરોજ સી.આર પાટીલે માંગી હતી માફી
ગઈકાલે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો સાથે યોજાયેલી બેઠક પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પરસોત્તમ રૂપાલા માટે બે હાથ જોડીને માફી માંગી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. તેઓ ત્રણ વખત માફી માંગી ચૂક્યા છે. છતાં રોષ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. મારી ક્ષત્રિય સમાજને વિનંતી છે કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને પરસોત્તમભાઈને માફ કરી દે.
આ પણ વાંચોઃ 'હવે માફ કરી દો', રૂપાલાને માફ કરવા સી.આર પાટીલે ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડ્યા
ક્ષત્રિય સમાજ હવે રૂપાલાને માફ કરેઃ પાટીલ
તેઓએ જણાવ્યું કે, આજે ભાજપના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં અમે બેઠક યોજી હતી. આજે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી છે. ક્ષત્રિય સમાજને મારી હાથ જોડીને વિનંતી છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે. સી.આર પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમાજની 92 લોકોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની આવતીકાલે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં રોષ સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે-ધીમે વાતાવરણ સરળ બને તે માટે પ્રયત્ન કરાશે.
ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી
ADVERTISEMENT