Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રણનીતિઓ બનાવવામાં આવી રહી છે. એવામાં આજે લોકસભાની ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને સીટોની વહેંચણી અંગે માહિતી આપી છે. ગુજરાતમાં ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે. એવામાં હવે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલનું એક નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
હું આજે દિલ્લી જઈને હાઇકમાન્ડને મળીશઃ ફૈઝલ પટેલ
ગુજરાતમાં ભરૂચ બેઠક પર જાહેરાત બાદ ગઠબંધનમાં નવા-જૂનીના એંધાણની સંભાવના છે. ભરૂચમાં કોંગ્રેસના દાવેદાર ફૈઝલ પટેલે ગઠબંધનનો સીધો જ વિરોધ કર્યો છે. તેમણે મીડિયા સાથેની વાતમાં એવું પણ કહ્યું કે, હું આજે દિલ્હી હાઇકમાન્ડને મળવા જઈ રહ્યો છું. તેમને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે શું નામ જાહેર થયા બાદ તેમાં કોઈ ફેરફાર થશે? તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે હજુ નોમિનેશનને ઘણો સમય છે.
એટલે વાત પરથી એવો ચોક્કસ અંદાજ લગાવી શકાય છે કે ફૈઝલ પટેલ હજુ પણ ભરૂચ લોકસભા લાડવા માટે પુરી મહેનત કરી રહ્યા છે અને દિલ્હી સુધી પાર્ટીને મનાવવા પણ પહોંચ્યા છે. તો હવે શું ફૈઝલ પટેલ હાઇકમાન્ડને રાજી કરી ચૈતર વસાવાની જગ્યા પરથી ચૂંટણી લડશે કે કેમ? આવા કેટલાય પ્રશ્નો થઈ રહ્યા છે.
ફૈઝલ પટેલે ગઈકાલે જ કરી હતી પોસ્ટ
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ગઈકાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે,'માનનીય રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઊતરીશ.' ફૈઝલ પટેલની આ પોસ્ટ બાદ ફરી ચર્ચા ચાલુ થઈ ગઈ હતી કે ફૈઝલ પટેલને લોકસભાની ટિકિટ મળવાનું નક્કી થઈ ચુક્યું છે.
ADVERTISEMENT