અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાંથી કોણ કઈ બેઠક પર ઉમેદવારી કરશે તેની યાદી જોવા માટે લગભગ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓ પણ કાગડોળે રાહ જોઈ રહ્યા ચે. હાલમાં જ આમ આદમી પાર્ટીએ તો ઉમેદવારોની સાતમી યાદી પણ જાહેર કરી દીધી છે અને તે ઉમેદવારોએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા લગભગ પુરી થવાને આરે છે. હવે જાણકારી મળી રહી છે કે કોંગ્રેસની સીઈસીની જે દિલ્હીમાં બેઠક થઈ હતી તે પુર્ણ થતાની સાથે નેતાઓ દિલ્હીથી ગુજરાત આવ્યા છે અને 2 દિવસમાં કોંગ્રેસના ઉમેદવારોની યાદીને જાહેર કરશે.
ADVERTISEMENT
દિલ્હીમાં થયેલી બેઠકમાં મળી લિસ્ટને મંજુરીની મહોર
કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતમાં દિલ્હીમાં કોંગ્રેસની સીઈસી બેઠક યોજાઈ હતી જેમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચાઓ થઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ 60 આસપાસના ઉમેદવારોના નામ એવા છે કે જેના પર આ બેઠકમાં મંજુરીની મહોર વાગી ગઈ છે. હવે કોંગ્રેસ લગભગ નજીકના જ સમયમાં જાહેર કરી દેશે. કોંગ્રેસમાંથી હાલ આ બેઠક દરમિયાન જે ઉમેદવારો અગાઉ જીત્યા અને ઓછા માર્જીનથી હાર્યા તે તમામ બાબતો પર ચર્ચાઓ થઈ હતી. વર્તમાન ધારાસભ્યો સિવાયના લગભગ 35 જેટલા ઉમેદવારોના નામો કમિટિએ નક્કી કર્યા છે. જોકે હવે જોવું એ રહ્યું કે કોંગ્રેસ ક્યારે અને કયા કયા નેતાઓને પોતાના પક્ષમાંથી ઉમેદવારી આપે છે.
ADVERTISEMENT