ગીરસોમનાથ : ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ હવે લગભગ મૃતપ્રાય થઇ ચુકી છે. ચૂંટણી પુર્ણ થયા બાદ કોંગ્રેસ ખાંડા ખખડાવતી જોવા મળે છે. જો કે ચૂંટણી જેમ નજીક આવે તેમ તેમ તે ધીરે ધીરે સુષુપ્ત થતી જતી હોય છે. વિધાનસભામાં તો 17 સીટો સાથે વિપક્ષનું પદ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિ પણ કોંગ્રેસ ગુમાવી ચુકી છે. જો કે હવે સમ ખાવા પુરતી ગણત્રીની પાલિકાઓ પણ કોંગ્રેસના હાથમાંથી જવા લાગી છે.
ADVERTISEMENT
ગીરસોમનાથ જિલ્લામાં પાલિકાઓ પણ સરકવા લાગી
ગીર સોમનાથની સુત્રાપાડાની પાલિકા કોંગ્રેસના હાથમાંથી સરકી ગઇ હતી. નગરપાલિકામાં કોંગ્રેસનાં 10 માંથી 7 સભ્યોએ પક્ષ પલટો કરી લેતા પાલિકા ગુમાવવાનો વારો આવ્યો હતો. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સિવાયના તમામ સભ્યોએ પક્ષ પલટો કરી લીધો હતો. અવિશ્વાસની દરખાસ્તમાં 18 માંથી 15 લોકોએ સમર્થન આપ્યું હતું.
અવિશ્વાસના પ્રસ્તાવને 15 સભ્યોએ સમર્થન આપ્યું
અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઇ જતા હવે નવેસરથી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી નવા સભ્યો દ્વારા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ભાજપ પાસે પાલિકામાં પણ સ્પષ્ટ બહુમતી છે. જેના કારણે હવે ભાજપના પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે તે નક્કી છે. તેવામાં કોંગ્રેસ માટે આ મોટી શરમજનક ઘટના છે.
ADVERTISEMENT