સુરતઃ સુરતમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પર પથ્થરમારાની ઘટના બની હતી. સુરતમાં અરવિંદ કેજરીવાલનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. જોકે તેમાં એક શેરીમાંથી અચાનક તેમના પર પથ્થરમારો થતા તેમને સુરક્ષાના કારણોસર ગાડીની અંદર લઇ લેવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ થોડા સમય બાદ ફરીથી એકવાર બહાર આવી ગયા હતા. તેમણે આ પથ્થરમારા અંગે રોડ શો દરમિયાન વાત કરી કે, 27 વર્ષ સુધી કામ કર્યા હોત તો પથ્થરો મારવા ના પડતા. તેમણે કહ્યું કે હું શિક્ષણની વાત કરું છું, શાળાઓ બનાવવાની વાત કરું છું તો આ લોકો કહે છે કેજરીવાલની આંખો ફોડી નાખીશું. મેં ક્યાં કોઈનું કશું બગાડ્યું છું.
ADVERTISEMENT
સુરતમાં પથ્થરમારા પછી કેજરીવાલે શું કહ્યું…
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભારત માતા કી જય. શું નજારો છે. આજે તો ભાજપ વાળાઓને ઉંઘ નહી આવે. હું ગુજરાતના પરિવારનો હિસ્સો બની ચુક્યો છું. રોડ શો જોઇને આ લોકો ગભરાઇ ગયા છે. એટલે જ પથ્થરમારા કરી રહ્યા છે. હવે એ દિવસો દુર નથી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી સુશાસન શરૂ કરશે. ગુજરાતીમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આવી રહી છે, ભાજપ જઇ રહી છે. 27 વર્ષમાં કામ કરી લીધું હોત તો પથ્થરો મારવા ન પડ્યા હોત. તેમણે કહ્યું કે ચારે તરફ મોંઘવારી, બેરોજગારી, ફક્ત ગુંડાગીરી કરી છે આ લોકોએ. અમે આવતા હતા ત્યારે આ લોકોએ પથ્થરો ફેંક્યા અમારો શું વાંક હતો. ચાર દિવસ પહેલા તેમનો એક નેતા કહે છે કે કેજરીવાલની આંખ ફોડી નાખીશું, પગ તોડી નાખીશું. મેં ક્યાં કોઈનું કશું બગાડ્યું છે. હું કહું છું હું સ્કૂલ બનાવીશ, આ લોકો કહે છે આંખ ફોડી નાખીશું કેજરીવાલની. હું કહું છું હું વીજળી મફત કરી દઈશ, આ લોકો કહે છે પગ તોડી દઈશું કેજરીવાલની. અરે હું મારા કામ બતાવું છું તમે પણ તમારા કામ બતાવો ને. ગાળો આપવાથી ગુજરાતનું ભવિષ્ય નહીં બને. આપને વિનંતી કરું છું આમને 27 વર્ષ આપ્યા, મને ફક્ત 5 વર્ષ આપી દો.
ADVERTISEMENT