Gujarat Police News: ગુજરાતમાં ફરી એકવાર ખાખી બદનામ થઈ છે. પશ્ચિમ કચ્છમાં CID ક્રાઈમમાં 6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પોલીસ અધિકારીઓમાં કચ્છના તત્કાલીન SP, DySP, PSI સહિતના પણ હોવાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે 2015નો છે. પોલીસકર્મીઓ ઉપરાંત ઈલેક્ટ્રોથર્મ કંપનીના માલિકો સામે પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
અંજારના મેઘપુર બોરીચીમાં રહેતા 48 વર્ષના પરમાનંદ ઉર્ફે પ્રેમ લીલારામ શીરવાણી વર્ષ 2011-12માં સામખિયાળીની ઈલેક્ટ્રોથર્મ કંપનીમાં સિનિયર લોજીસ્ટીક મેનેજર તરીકે નોકરી કરતા હતા. કંપનીના MD શૈલેષ ભંડારી તથા તેના ભત્રીજા અનુરાગ ભંડારીએ પરમાનંદને વિશ્વાસમાં લઈને તેના નામે એક કંપની બનાવી હતી અને તેમાં તેને ડાયરેક્ટર બનાવ્યો હતો તથા રેન્ટ એગ્રીમેન્ટ પણ તૈયાર કર્યા હતા. બાદમાં પરમાનંદ તથા તેની પત્નીને ધંધાની રકમ ચૂકવવી ન પડે તે માટે નોકરીમાંથી કાઢવાને બદલે ભંડારી તથા તેના કંપનીના અન્ય લોકોએ તેનું અપહરણ કરી લીધું હતું અને મૃત્યુનો ભય બતાવીને ઘરેણાં તથા નાણા પડાવી લીધા હતા અને કોરા પેપર પર સહી કરાવીને મિલકત લખાવી લીધી હતી.
ફરિયાદ લેવાને બદલે ખોટા કેસમાં ફીટ કરી દીધો
ઘટના બાદ પરમાનંદ આદિપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયા હતા, પરંતુ પોલીસે FIR ન લીધી. આ મામલે પરમાનંદે પોલીસ વડાથી લઈને હાઈકોર્ટ સુધી અરજી કરી. આરોપ છે કે, ભંડારીના ઈશારે પોલીસે ફરિયાદ ન લીધી ઉલટાનો પરમાનંદને ખોટા કેસમાં ફસાવી દીધો. અપહરણ અને લૂંટના પુરાવા હોવા છતાં બે SP અને 3 DySPએ કોઈ ગુનો ન બનતો હોવાના ક્લોઝર રિપોર્ટ આપી દીધા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોંધાઈ ફરિયાદ
આ અંગે પરમાનંદે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા તમામ સામે ગુનો નોંધવા હુકમ કરાયો હતો. જોકે ભંડારીએ સુપ્રીમ કોર્ટમાં જઈને હાઈકોર્ટના હુકમ સામે મનાઈ હુકમ મેળવી લીધો હતો. બાદમાં 16 જાન્યુઆરી 2024ના રોજ સુપ્રીમ કોર્ટનો મનાઈ હુકમ વેકેટ જતા ભુજ બોર્ડે CID ક્રાઈમ પોલીસ સ્ટેશને 6 પોલીસકર્મી સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.
(ઈનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)
ADVERTISEMENT