- સાયબર ફ્રોડનો ભોગ બન્યા વડોદરાના વેપારી
- વેપારીને 82.72 લાખનો ચૂનો લગાવ્યો
- પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Vadodara Cyber Crime: આજના સોશિયલ મીડિયાના યુગમાં લોકોને કોઈપણ માહિતી આંગળીના ટેરવે મળી જતી હોય છે. તે ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાર્ટ ટાઈમ નોકરી અથવા તો ઝડપથી પૈસા કમાવવા માટેની અનેક જાહેરાતો આવતી હોય છે. જેમાં લોકો છેતરાઈ જતાં હોય છે. ત્યારે આવી જ છેતરપિંડીનો ભોગ વડોદરાના એક વેપારી બન્યા છે. સાયબર ઠગોએ વડોદરાના વેપારીને 82.72 લાખનો ચૂનો લગાવ્યો છે. હાલ વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમ ધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
વેપારીના વોટ્સએપ પર આવ્યો હતો મેસેજ
વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા વેપારી સાયબર ક્રાઈમમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત 30 ડિસેમ્બરના રોજ વેપારીના વોટ્સએપમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં મેસેજ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ એચસીએલ ડિજીટલ ટ્રાન્સફોર્મ કંપનીના કર્મચારી તરીકે આપી હતી. આ મેસેજમાં ઘરે બેઠા પાર્ટ ટાઈમ નોકરીની ઓફર આપવામાં હતી.
ઘરે બેઠા પૈસા કમાવવાની આપી હતી ઓફર
જે બાદ વેપારીને ઘરે બેઠા પૈસા કમાવવાની ઈચ્છા થતાં તેમણે મેસેજનો રિપ્લાય આપ્યો હતો. જેથી સામેની વ્યક્તિએ કામ વિશે માહિતી આપી હતી. વેપારીને જણાવવામાં આવ્યું હતું કે, તમારે ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના રહેશે. ગૂગલ મેપ પર જઈને રિવ્યું આપ્યા બાદ તમારા પૈસા એકાઉન્ટમાં યુપીઆઈ દ્વારા આવી જશે. રિવ્યૂ આપીને તમે દરરોજના 2 હજારથી લઈને 8 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો.
વેપારીએ અન્ય ટાસ્ક લેવાના શરૂ કર્યા
જે બાદ વેપારીએ કામ શરૂ કર્યું હતું. તેમણે ગૂગલ મેપ પર રિવ્યું આપીને સ્ક્રીન શોટ મોકલી આપ્યો હતો. જેથી વેપારીના સેલેરી કોડમાં 150 રૂપિયા જમાં થયા હતા. જે બાદ વેપારીએ અન્ય ટાસ્ક લેવાના શરૂ કર્યા હતા. જે બાદ ઠગોએ વીઆઈપી એકાઉન્ટ ખોલાવવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
વધુ પૈસા કમાવવાની લાલચ જાગતા ભર્યા
જેથી વધુ પૈસા કમાવવાની લાલચમાં વેપારીએ થોડા-થોડા કરીને 82.72 લાખ રૂપિયા મોકલ્યા હતા. જે બાદ વેપારીએ આ નંબર પર સંપર્ક કરતા નંબર બંધ આવ્યો હતો. જેથી પોતાની સાથે ફ્રોડ થયો હોવાનું માલુમ પડતા તેઓ સાયબર ક્રાઈમ પોલીસે સ્ટેશને પહોંચ્યા હતા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઈમે હાથ ધરી તપાસ
હાલ વડોદરા સાયબર ક્રાઈમ પોલીસે વેપારીની ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.સાથે જ સાયબર ક્રાઈમ પોલીસે લોકોને આવા ફ્રોડથી સાવચેત રહેવા જણાવ્યું છે.
ADVERTISEMENT