Sabarkantha News: ગુજરાતમાં ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે લાંબા બાદ હવે વધુ એક કલેક્ટર સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર અને નાયબ ચીટનીસ સામે જમીન પચાવી પાડવાની ફરિયાદ નોંધા છે અને એન્ટી કરપ્શન બ્યૂરો અને વિજિલન્સ કમિશનમાં તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટમાં વકીલ દ્વારા પુરાવા સાથે આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. ખૂદ કલેક્ટર સામે જ લેન્ડ ગ્રેબિંગ કેસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
પત્ની માટે લીધેલી જમીન પર ભૂમાફિયાઓનો કબજો
વિગતો મુજબ, અમદાવાદના પ્રતિશ શાહે પત્નીના નામે સાબરકાંઠામાં ખેતી માટે જમીન ખરીદી હતી. આ માટે તલોકમાં 15 વિઘા જમીન ખરીદીને તેના પૈસા પણ ખેડૂતોને ચૂકવી દીધા હતા. જોકે જમીન ખરીદ્યા બાદ કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા ગયા ત્યારે તેઓ ચોંકી ગયા. તલોદના જ ભૂમાફિયાઓએ નવી શરતની જગ્યામાં કલેક્ટરની પરવાનગી વિના જ ગેરકાયદેસર બાનાખત ઊભા કરીને જમીન પચાવી પાડી. આ ભૂમાફિયાઓ વિરુદ્ધ અગાઉ લેન્ડ ગ્રેબિંગ સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
કલેક્ટરની સંડોવણી હોવાનો આક્ષેપ
એડવોકેટ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, કલેક્ટર નૈમેશ દવે અને ચીટનીશ હર્ષ પટેલે ભૂમાફિયાઓ સાથે રાજકીય સાંઠગાંઠ કરીને લાંચ લઈને જમીન બારોબાર સગેવગે કરી નાખી છે. સમગ્ર મામલે કલેકટર દ્વારા કાયદાનો દુરુપયોગ કરાયાના આક્ષેપ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
ખાસ છે કે, આ પહેલા ગાંધીનગરના નિવૃત્ત કલેક્ટર એસ.કે લાંગા સામે હજારો કરોડની જમીન બારોબર વહીવટ કરીને કૌભાંડ આચરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હવે વધુ એક કલેક્ટર સામે જમીન પચાવી પાડવાની ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે.
(ઈનપુટ: હસમુખ પટેલ, સાબરકાંઠા)
ADVERTISEMENT