Chaitar Vasava: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુશ્કેલીમાં ફસાયા છે. ચૈતર વસાવા તથા તેમની પત્ની સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો તેમની પત્નીની અટકાયત કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.નર્મદા પોલીસ હાલ ચૈતર વસાવાને શોધી રહી છે. ત્યારે હવે ડેડિયાપાડાના આદિવાસી સમાજના લોકોએ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આવીને આજે ડેડિયાપાડા બંધનું એલાન આપ્યું છે. બંધના એલાનને લઈ પોલીસનો કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડેડિયાપાડા બંધનું આહ્વાન
ચૈતર વસાવાના સમર્થકોએ જણાવ્યું હતું કે, ડેડિયાપાડાના આદિવાસી આગેવાન ઉપર ખોટા આરોપ લગાવીને ખોટા કેસ કરીને સમાજના કામો કરતા અટકાવવાનું જે ષડયંત્ર કરવામાં આવેલ છે, જેના વિરોધમાં 4 ઓક્ટોબર 2023ના દિને સ્વૈચ્છિક બંધનું એલાન આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવે છે. તો બીજી બાજુ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ બજારો ખુલ્લી રાખવાની અપીલ કરી છે.
મનસુખ વસાવાએ કરી અપીલ
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં તેઓએ લખ્યું છે કે, ‘કોઈએ ડરવાની જરૂર નથી. ડેડિયાપાડામાં બધા બજાર ખુલ્લી રાખે, સૌ સાથે મળીને શાંતિ જાળવે અને ગેરમાર્ગે ન દોરાઓ તેવી કાળજી રાખો.’ આની સાથે જ તેઓએ એક વીડિયો પણ શેર કર્યો છે.
શું છે સમગ્ર મામલો?
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મારામારીના કેસમાં વનવિભાગ દ્વારા ફરિયાદી બનીને ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે. વનવિભાગની જમીન પર ખેડાણ કરતા આદિવાસીઓના મુદ્દે વનવિભાગના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જે મામલો ઉગ્ર બન્યો હતો. જેથી વન વિભાગ દ્વારા ચૈતર વસાવા ઉપરાંત તેમના પત્ની શકુંતલા બહેન સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જે પૈકી 3ને પોલીસે ઝડપી પણ લીધા છે.
ADVERTISEMENT