આજે શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાની શરુઆત સાથે જ હિંદુ ધર્મમાં તહેવારોની સિઝન શરુ થાય છે અને તે દિવાળી સુધી સતત શરુ રહે છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે આ મહિનો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષીઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું તેમ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આજથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સોમનાથ મંદિર ખાતે દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરી શકશે. મંદિરમાં થતી તમામ પૂજા વિધી માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન પૂજા વિધી નોંધાવી શકશે. લાંબા સમય બાદ શ્રાવણ માસમાં દેવાધિદેવના દર્શન થતા હોવાથી સોમનાથ મંદિર ખાતે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. તેના માટે સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાથી માંડીને દર્શનની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.
પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સોમનાથમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. ગનમેન, ડોગ સ્કવોડ, બોમ્બ ડીસ્પૉઝલ સકવૉડ સહીત સઘન સુરક્ષા તૈનાત છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે નવી પ્રવેશ વ્યવસ્થા સફળ જોવા મળી છે. ઝીગઝેક પ્રકારની 6 લાઈનો વડે સ્ત્રી પુરુષોને અલગ અલગ પ્રવેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસર બહાર બેઠક વ્યવસ્થા કરી લોકોને ભક્તિ કરવા માટે સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. હર હર ભોલે ના નાદ સાથે સોમનાથમાં 30 દિવસીય શિવોત્સવ ચાલશે.
ADVERTISEMENT