નડિયાદમાં ધોધમાર વરસાદ બાદ ગરનાળામાં ફસાઈ કોલેજ બસ, સ્થાનિકોએ વિદ્યાર્થિનીઓનું રેસ્ક્યુ કર્યું

હેતાલી શાહ/ખેડા: ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદને કારણે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નડિયાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા…

gujarattak
follow google news

હેતાલી શાહ/ખેડા: ખેડા જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદને કારણે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નડિયાદના પૂર્વ અને પશ્ચિમને જોડતા રેલવે ગરનારામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકો તથા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એમાય શ્રેયસ ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હોવા છતાંય એક કોલેજ બસ ગરનાળામાંથી નીકળવાનો પ્રયાસ કરતા અધવચ્ચે જ ફસાઈ ગઈ હતી. વિદ્યાર્થીનીઓથી ભરેલી બસ શ્રેયસ ગરનારામાં ફસાતા તાત્કાલિક સ્થાનિકોએ બસમાં રહેલા તમામ વિદ્યાર્થીનીઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢી લીધી હતી.

ગરનાળામાં પાણી ભરાવા છતાં વાહન કાઢવાનો પ્રયાસ
મહત્વનું છે કે અવારનવાર આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે, છતાં પણ વાહનચાલકોની બેદરકારીને કારણે તેઓ આ ગરનાળામાંથી નીકળતા હોય છે, અને ફસાઈ જાય છે. તો સ્થાનિક તંત્ર વરસાદ વરસ્યા બાદ ગરનાળામા પાણી ભરાતા હોવાનું જાણતા હોવા છતા ગરનાળું બંધ છે તેવા કોઈ પણ સૂચના બોર્ડ મૂકતા જ નથી. જેને લઈને પણ આ સમસ્યા સર્જાતી હોય છે.

નડિયાના અન્ય વિસ્તારો પણ પાણી-પાણી
નડિયાદમાં એક તરફ શ્રેયસ ગરનારામાં ભરાયેલા વરસાદી પાણીને કારણે એક કોલેજ બસ ફસાઈ, તો બીજી તરફ નડિયાદના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. હજી થોડા સમય પહેલા જ બીપરજોય વાવાઝોડાને કારણે મધ્ય ગુજરાતમાં ભારેથી અધિકારી વરસાદની આગાહી કરવામાં આવી હતી, એ પહેલા પાલિકાએ પ્રીમોન્સુન કામગીરી કરી હતી. સદનસીબે એટલો વરસાદ ખેડા જિલ્લામાં પડ્યો ન હતો.

પરંતુ આજે વહેલી સવારે વરસેલા વરસાદને કારણે પાલીકા તંત્રએ કેવી પ્રિમોન્સૂન કામગીરી કરી હશે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે. નડિયાદના રબારીવાડ વિસ્તારમાં અવારનવાર વરસાદી પાણી ભરાતા હોય છે. રબારી વાડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેનો કાંસ પણ છે, પરંતુ તે કાંસમાંથી પાણી ઝડપથી નીકળી નથી શકતું. કારણકે કાંસની આસપાસ જ મોટા પ્રમાણમાં કચરાના ઢગ જામેલા છે. જેને લઈને એ તમામ કચરો કાંસમાં ભરાતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી. એટલું જ નહીં કાંસની આસપાસ કોઈ પ્રોટેક્શન વોલ પણ બનાવવામા આવી નથી, તો શું પાલીકા કોઈ દુર્ઘટના થવાની રાહ જોવે છે ? તે સવાલ હાલ જાગૃતજનોમા ચર્ચાઈ રહ્યો છે.

    follow whatsapp