Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીએ ધીમે-ધીમે જમાવટ કરવા માંડી છે. તેમ છતાં હજુ જોઈએ તેવી ઠંડી જામી નથી. આ વખતે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી છે તેમ હવામાન નિષ્ણાંતો જણાવે છે. જોકે, ગુજરાતમાં ઠંડા પવનોનું જોર છે. લોકોને ગાત્રો થિજાવતી ઠંડી ડિસેમ્બરના છિલ્લા અઠવાડિયામાં અનુભવાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંતોએ કરી આગાહી
અત્યારે ઉત્તર ભારતના રાજ્યોમાં કાતિલ ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડમાં તાપમાનનો પારો નીચે ગગડીને માઈનસમાં પહોંચ્યો છે. ઉત્તર ભારતના અનેક શહેરોમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, જોકે કડકડતી ઠંડી માટે લોકોએ હજુ રાહ જોવી પડશે. ડિસેમ્બરના અંત સુધીમાં રાજ્યમાં કડકડતી ઠંડી પડશે તેવી હવામાન નિષ્ણાંતોની આગાહી છે. તો ગુજરાતમાં હવે કમોસમી વરસાદ થવાની ભીતિ રહી નથી. એટલે અગાઉની જેમ લોકોને ટ્રિપલ સિઝનનો અહેસાસ થશે નહીં.
નલિયામાં નોંધાયું 8.5 ડિગ્રી તાપમાન
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વડોદરામાં આજે 16.6 ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાવા પામી છે, જે સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ છે. કચ્છના નલિયામાં આજે ઠંડીનો પારો વધુ ગગડીને 8.5 ડિગ્રીએ પહોંચ્યો હતો, ગઈકાલની ઠંડીના પ્રમાણમાં આજે વધુ ઠંડી નોંધાઈ હતી. સામાન્ય તાપમાન કરતા આજે ઠંડીનો પારો ચાર ડિગ્રી નીચે ઊતર્યો હતો, જેના કારણે નલિયાવાસીઓએ કડકડતી ઠંડી અનુભવી હતી. આજે 8.5 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.
તમામ સ્કૂલો મોડી શરૂ કરવાનો આદેશ
કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધતા શાળાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક તથા સરકારી શાળામાં સવારની પાળીના સમયમાં અડધો કલાકનો ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ શાળાઓ ઠંડીના પગલે 30 મિનિટ મોડી શરૂ કરાશે. ઠંડીના ચમકારાના કારણે વિદ્યાર્થીઓને રાહત આપવામાં આવી છે.
ADVERTISEMENT