Gujarat Weather Update: ગુજરાતમાં ગુલાબી ઠંડીએ હવે કાતિલ ઠંડીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં ઉપરના લેવલમાં સક્રિય હાઈપ્રેશરની અસર ઘટતાં હવે ઠંડા પવનો શરૂ થયાં છે. ગુજરાતવાસીઓને બર્ફીલા પવનો રીતસરના ધ્રુજાવી રહ્યા છે. રાજ્યમાં કાતિલ ઠંડીએ દસ્તક દેતા ખેડૂતો ખુશખુશ થઈ ગયા છે.
ADVERTISEMENT
હાડ થીજવતી ઠંડી ફરી વળી
ગુજરાતના અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી ફરી વળતા વહેલી સવારે શાળાએ જતાં બાળકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બાળકો ગરમ સ્વેટર, ટોપી, મફલર, કાનટોપી, પહેરીને શાળાએ જતા જોવા મળ્યા હતા. જ્યારે અનેક શ્રમિક વર્ગ, શ્રમિક પરિવારો તાપણું સળગાવી ઠંડી સામે રક્ષણ મેળવવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.
મોર્નિંગ વોક પર નીકળતા લોકોની સંખ્યા ઘટી
આજે સવારે કડકડતી ઠંડી પડતા મોર્નિંગ વોકમાં નીકળતા લોકોની સંખ્યામાં અંશતઃ ઘટાડો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે, આ સિઝનમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે.
નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું
આજે રાજ્યના તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો રાજ્યના કુલ 9 શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે. કચ્છનું નલિયા 11 ડિગ્રી તાપમાનની સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાતા નલિયાવાસીઓ રીતસરના થથરી ગયા હતા.
કયા કેટલું નોંધાયું તપામાન?
આજે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ડીસામાં 14.6 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભુજમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 16.8 ડિગ્રી, દ્વારકામાં 19 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ADVERTISEMENT