ભાર્ગવી જોશી.જૂનાગઢ: નારી વંદન ઉત્સવના બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવોના દિવસે નવતર ઉપક્રમના ભાગરૂપે કોફી વિથ કલેકટર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિદ્યાર્થિનીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપી હતી.
ADVERTISEMENT
કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા પ્રાથમિક શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં કલેક્ટર એ જણાવ્યું કે, આજે મહિલાઓ સર્વોચ્ચ સ્થાને પહોંચી છે. UPSC, બોર્ડ વગેરે પરીક્ષામાં પણ દીકરીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે. આજે ખૂબ હરિફાઈ વચ્ચે પણ દીકરીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આજે દેશના સર્વોચ્ચ સ્થાને એટલે કે, પદે રાષ્ટ્રપતિ પદે પણ એક મહિલા છે. દીકરીઓ આઈએસ-આઈપીએસ બનવાની સાથે વૈજ્ઞાનિક બનીને ઈસરો જેવી સંસ્થાઓનાં માધ્યમથી દેશની સેવા કરી રહી છે.
‘પહેલાથી ભેંસનું દૂધ કાઢી રાખવું, ચા જલ્દી મોકલવી’ કિટલીવાળાને અધિકારીએ મોકલી આવી નોટિસ!
આજે જ્ઞાન ભંડાર ખુલી ગયા છેઃ કલેક્ટર
તેમણે કહ્યું કે, આજે ઈન્ટરનેટ અને ડિજિટલ મીડિયાના માધ્યમથી જ્ઞાન ભંડાર ખુલી ગયા છે. જેથી દુનિયાની કોઈપણ માહિતી પ્રાપ્ત કરી શકાય છે, સાથે જ કોઈ પણ કૌશલ્ય પણ શીખી શકાય છે. કલેક્ટરએ ખાસ કરીને ગરીબ વર્ગની દીકરીઓને શિક્ષણ સાથે જોડવા માટે પણ ઉપસ્થિત વિદ્યાર્થિનીઓને અનુરોધ કર્યો હતો. ઉપરાંત શિક્ષકોને દીકરીઓને માસિક ધર્મ-હાઈજિન વિશે સમજ આપવા અને કુદરતી પ્રક્રિયાથી દીકરીઓ ડરે નહીં તે માટે સમજ આપવા પણ શિક્ષકોને જણાવ્યું હતું. માસિક ધર્મના કારણે શિક્ષણ કાર્ય અટકે નહીં અને આરોગ્ય સંબંધિત તકેદારી માટે માર્ગદર્શન આપ્યું હતું.
અન્યાયનો પ્રતિકાર કરવા પ્રેરણા આપી
કલેકટરએ અન્યાયનો પ્રતિકાર કરવા અને હેરાનગતિ કરનારા તત્વો સામે હિંમતભેર સામનો કરવા માટે પણ વિદ્યાર્થિનીઓને પ્રેરિત કરી હતી.સાથે જ ઓનલાઇન થતા ફ્રોડ અંગે વિદ્યાર્થીઓને સચેત કરી હતી. આ તકે વણઝારી પે.સેન્ટર શાળા, કન્યા શાળા નં.૩, કે.જી. બી.વી.-કેરાળા અને સાબલપુર તથા દોલતપરા પ્રાથમિક શાળાની ધોરણ ૬,૭ અને ૮ની વિદ્યાર્થિનીઓએ જુદા-જુદા પ્રશ્નો રજૂ કર્યા હતા તેના કલેક્ટર એ પ્રત્યુતર પાઠવ્યા હતા. આ વિશિષ્ટ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર પી. જી. પટેલ, ડીવાયએસપી પટણી, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી રમેશ જેઠવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી એમ.જી. વારસુર (શહેર) તથા બી.ડી. ભાડ (ગ્રામ્ય ) અને વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT