ગાંધીનગરઃ બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલે મંગળવારે સાંજે 7 વાગ્યે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવીને નશાખોરો તથા આમાં સંડોવાયેલા દરેક શખસ સામે કડક કાર્યવાહી કરવા ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી.
ADVERTISEMENT
પોલીસને સઘન તપાસ કરવા આદેશ…
આ સમગ્ર ઘટનાક્રમ પછી CMએ ગુજરાત પોલીસને માદક દ્રવ્યો અને તેનું વેચાણ કરતા શખસો વિરૂદ્ધ કડક પગલાં ભરવા આદેશ કર્યો છે. નોંધનીય છે કે બોટાદ અને અમદાવાદમાં થયેલી આ તમામ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં અત્યારે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી દેવામાં આવી છે અને વિવિધ સ્થળે દરોડા પાડી કડક પગલાં ભરાઈ રહ્યા છે. વળી આની સાથે તપાસ સમિતિને પણ તાત્કાલિક સર્ચ ઓપરેશન પુરૂં કરી અહેવાલ સોંપવાની ટકોર કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડમાં અત્યારસુધી 36 લોકોનાં મોત
બોટાદના બરવાળામાં ઝેરી દારૂ પીવાથી અત્યારસુધી 36 લોકોનાં મોત નીપજ્યાં છે અને હજુ પણ 30થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અત્યારે ઠેર-ઠેર આ લઠ્ઠાકાંડની ચર્ચા જ ચાલી રહી છે. આવામાં સોમવાર અને મંગળવારનો દિવસ ગુજરાતનાં ઈતિહાસમાં કાળી સ્યાહીથી લખાઈ ગયો છે.
રાજ્યમાં 24 કલાકની અંદર જ એક પછી એક ઝેરી દારૂના સેવનથી મોતના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. આના પરિણામે ઘણા પરિવારો વિખેરાઈ ગયા છે. દેશી દારૂના વેચાણ તથા સેવનના કારણે અત્યારે કોઈએ પોતાનો ભાઈ, પતિ, પિતા કે દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે.
રાજનીતિ કરવા અહીં નથી આવ્યા- અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં ઝેરી દારૂ પીધા પછી સારવાર હેઠળ રહેલાં દર્દીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન લોકોએ કેજરીવાલને લઠ્ઠાકાંડ અંગે વિગતવાર માહિતી આપી હતી. ત્યારપછી મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેજરીવાલે કહ્યું કે હું અહીંયા કોઈ રાજનીતિ કરવા નથી આવ્યો, આ તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે. મૃત્યુઆંક વિશે જાણ થતા જ મને ઘણો આઘાત લાગ્યો અને દુઃખ થયું છે. ત્યારપછી કેજરીવાલે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ADVERTISEMENT