ગાંધીનગર: ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. શુક્રવારે સાંજે બહાનાગા રેલવે સ્ટેશન પાસે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દરમિયાન નજીકના ટ્રેક પરથી પસાર થતી વખતે યશવંતપુરથી હાવડા જતી એક્સપ્રેસ ટ્રેન નીચે ઉતરી ગયેલા ડબ્બા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 237 લોકોના મોત થઈ ચૂક્યા છે અને 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે આ દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના આજના તમામ કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના 9 વર્ષના પૂરા થતા ગુજરાતમાં હતા કાર્યક્રમો
કેન્દ્રમાં PM નરેન્દ્ર મોદી સરકારને 9 વર્ષ પૂરા થવાના અવસરે ગુજરાતમાં સંપર્સ અભિયાન, ટિફિન બેઠક તથા જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. જોકે ઓડિશામાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતના કારણે આ કાર્યક્રમોને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કુલ 3 ટ્રેનો અથડાઈ
આ અકસ્માતમાં કુલ ત્રણ ટ્રેનો અથડાઈ હતી. મળતી માહિતી મુજબ, SMVB-હાવડા એક્સપ્રેસ (12864), કોરોમંડલ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી. પહેલા હાવડા એક્સપ્રેસ ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ, પછી ગૂડ્સ ટ્રેન કોરોમંડલ સાથે અથડાઈ. આ અકસ્માત ઓડિશાના બહાનાગા સ્ટેશન પાસે થયો હતો
મૃતકોને રૂ.10 લાખના વળતરની જાહેરાત
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. આ સાથે રેલવે તરફથી વળતરની પણ જાહેરાત કરાઈ છે. રેલવે મંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, મૃતકોના પરિવારજનો માટે ₹10 લાખ, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને ₹2 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT